Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગુજરાત : ૨૦૧૭ના ગાળામાં કસ્ટડીમાં ૫૫ના મોત થયા છે

અમદાવાદ શહેરમાં કસ્ટડીમાં ૧૫ના મોત થયાઃ અમદાવાદમાં માનવ અધિકાર ભંગના સૌથી વધારે કેસો

અમદાવાદ,તા.૧૪ : આરટીઆઈ અથવા તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન પ્રશ્નના જવાબમાં સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના જવાબમાં અનેક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. આમા જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં કસ્ટડીમાં ૫૫ના મોત થયા છે. આ મામલામાં અમદાવાદમાં સૌથી વધારે ૧૫ના મોત થયા છે. વર્ષ ૨૦૧૦ બાદથી કસ્ટોડિયલ મોતના મામલામાં ધ્યાન આપવામાં આવે તો ૨૦૧૬માં ગુજરાતમાં કસ્ટડીમાં ૫૯ના મોત થયા હતા જ્યારે અમદાવાદમાં ૧૨ના મોત થયા હતા. આવી જ રીતે ૨૦૧૫માં ગુજરાતમાં ૪૩ અને અમદાવાદમાં ૧૨ના મોત થયા હતા. માનવ અધિકાર કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ મુજબની વિગત સપાટી ઉપર આવી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આરટીઆઈ અરજીના જવાબમાં આપવામાં આવેલી માહિતીના સમાચાર પ્રકાશિત કર્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. અમદાવાદ શહેર કસ્ટડીમાં મોતના મામલામાં ૨૦૧૭માં પ્રથમ સ્થાને છે. પોલીસ કસ્ટડીમાં બે અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૩ના મોત થયા છે. મહેસાણાના કૌશિક પરમાર દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ અરજીના જવાબમાં એસએચઆરસી દ્વારા માહિતી આપવામાં આવી છે. આરટીઆઈ અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં કસ્ટડીમાં મોતના મામલા સૌથી વધારે નોંધાયા છે. કસ્ટોડિયલ મોતના મામલામાં અમદાવાદ શહેર પણ સામેલ છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોતનો મતલબ છે કે, આરોપી અથવા તો અપરાધીનું મોત જેલમાં થયું છે જ્યારે પોલીસ કસ્ટડીમાં મોતનો મતલબ એ છે કે, ભોગ બનેલી વ્યક્તિ હજુ લોકઅપમાં હતી. અન્ય માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં ૨૦૧૭માં માનવ અધિકાર ભંગના કેસોની સંખ્યા સૌથી વધારે ૭૮૩ નોંધાઇ છે જેમાં ૭૬૬ કમિશન દ્વારા નોંધવામાં આવી છે. ૨૦૧૭માં ૫૫ કસ્ટોડિયલ મોતના મામલામાં સાત પોલીસ કસ્ટડીમાં મોત થયા છે. આનો મતલબ એ થયો છે કે, લોકઅપમાં અપરાધી પર ટોર્ચર કરવાની વિગત હોઈ શકે છે. એસએચઆરસી દ્વારા કસ્ટોડિયલ મોતના મામલામાં સ્વતંત્ર તપાસનો આદેશ આપવો જોઇએ.

કસ્ટોડિયલ મોતનું ચિત્ર

અમદાવાદ,તા.૧૪ : અમદાવાદ અને રાજ્યમાં કસ્ટડીમાં મોતના આંકડાને લઇને ચિત્ર સપાટી ઉપર આવ્યું છે. રાજ્યમાં ૨૦૧૦ બાદથી કસ્ટોડિયલ મોતનું ચિત્ર નીચે મુજબ છે.

વર્ષ

ગુજરાત

અમદાવાદ

૨૦૧૦

૬૦

૨૪

૨૦૧૧

૬૭

૨૪

૨૦૧૨

૬૩

૧૦

૨૦૧૩

૬૫

૧૦

૨૦૧૪

૫૮

૧૨

૨૦૧૫

૪૩

૧૨

૨૦૧૬

૫૯

૧૨

૨૦૧૭

૫૫

૧૫

(9:09 pm IST)