Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કોંગ્રેસના પ્રતાપ દુધાત તેમજ અમરીષ ૩ વર્ષ માટે સસ્પેન્ડ

ગૃહમાં મારામારી પ્રકરણમાં કોંગ્રેસને મોટો ફટકો : કોંગી બળદેવ ઠાકોરને પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા નીતિન પટેલની દરખાસ્ત બાદ અધ્યક્ષનો મહત્વનો નિર્ણય

અમદાવાદ,તા. ૧૪ : ગુજરાત વિધાનસભા ગૃહના મારામારીના કેસમાં આજે સાંજે એક સબકસમાન નિર્ણયના ભાગરૂપે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને રાજુલાના અમરીષ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા  હતા., જયારે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. આટલા વર્ષો માટે વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવાની આજની ઘટના પણ વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નોંધાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્યોને આટલી મોટી સજા કરવામાં આવતાં વિપક્ષના સભ્યો વિફર્યા હતા અને વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કરી બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોની લાંછનરૂપ વર્તનને લઇ એક તબક્કે અધ્યક્ષે ટીકા કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જે પ્રકારે ભાજપના ધારાસભ્ય પર વિધાનસભા ગૃહમાં સૌની હાજરીમાં ગંભીર હુમલો કરાયો તે એક પ્રકારે હત્યાના પ્રયાસ સમાન કહી શકાય. બંને ધારાસભ્યો ગૃહમાં ધમાલ કરવાની નેમ સાથે આવ્યા હોય તેમ જણાતું હતું. ભવિષ્યમાં આવી નિંદનીય અને ગૃહની ગરિમાને લાંછનરૂપ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે હેતુથી દાખલારૂપ હુકમ કરાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી અને ગાળાગાળીના દ્રશ્યો બાદ બંને પક્ષે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. એકબાજુ, સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો કોંગ્રેસે ભાજપ પર ઢોળ્યો છે તો, ભાજપે કોંગ્રેસના ગંદી ગાળો બોલી હોવાના આક્ષેપને વખોડી કાઢયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાજપના એક પણ ધારાસભ્ય દ્વારા અપશબ્દો કે ગંદી ગાળો બોલવામાં આવી નથી, કોંગ્રેસના ત્રણથી ચાર ધારાસભ્યોના હીન અને લાંછનરૂપ કૃત્યના કારણે વિધાનસભા ગૃહની બદનામી થઇ છે જે નિંદનીય અને દુઃખદ છે. બીજીબાજુ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ આ સમગ્ર મામલામાં કોંગ્રેસના કસૂરવાર ધારાસભ્યો વિરૂધ્ધ સબકસમાન કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને વિધાનસભા સત્ર માટે ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરાઇ હતી, જયારે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને પણ એક વર્ષ માટે સત્રમાં સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટેકો જાહેર કર્યો હતો. દરમ્યાન બંને પક્ષની દલીલો અને રજૂઆત સાંભળ્યા બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વનો આદેશ જારી કરી કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને રાજુલાના અમરીષ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા., જયારે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતાં કોંગ્રેસની છાવણીમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો જોરદાર રીતે વિફર્યા હતા અને ગૃહમાંથી વોકઆઉટ કરી ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરી અધ્યક્ષના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્યો હવે વિધાનસભા ગૃહની તમામ કાર્યવાહી કે વિધાનસભાની અન્ય સમિતિઓની કાર્યવાહીમાં સસ્પેન્શનના સમય સુધી ભાગ નહી લઇ શકે. એટલું જ નહી, આ ત્રણેય કોંગી ધારાસભ્યો વિધાનસભા ગૃહ અને સંકુલમાં પણ પ્રવેશ નહી કરી શકે.

(7:37 pm IST)