Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બોરસદ-ભાદરણ રોડ પર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને 35 લાખ ઉપરનો ટ્રક ઝડપ્યો

અમદાવાદ:અમદાવાદ રેન્જના આર. આર. સેલ પોલીસે આજે રાત્રીના સુમારે બોરસદ-ભાદરણ રોડ ઉપર આવેલી એક હોટલ પર વોચ ગોઠવીને ૩૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલી ટ્રક-કન્ટેનર સાથે ડ્રાયવરને ઝડપી પાડતાં વિદેશી દારૂના બુટલેગરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આર. આર. સેલ પોલીસને માહિતી મળી હતી કે, હરિયાણાથી એક ટ્રક-કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને વાયા તારાપુર, બોરસદ થઈને વડોદરા તરફ લઈ જવામાં આવનાર છે. જેના આધારે આર. આર. સેલની ટીમ બોરસદ-ભાદરણ રોડ ઉપર આવેલી કેજીએન હોટલ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક ટ્રક કન્ટેનર એચઆર-૫૫, પી-૮૮૫૨ની આવી ચઢતાં પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. જેથી પોલીસે ટ્રકના ચાલક શ્યામલાલ બગદીરામ ગુજ્જર (રે. ચીતોડગઢ, રાજસ્થાન)ની પાસે પરમીટની માંગણી કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને આપી શક્યો નહોતો. જેથી તેને ઝડપી પાડીને ટ્રકને બોરસદ પોલીસ મથકે લઈ જઈને અંદરથી વિદેશી દારૂની પેટીઓ ઉતારીને ગણત્રી શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક કન્ટેનરમાંથી અંદાજે ૫૦૦થી વધુ વિદેશી દારૂની પેટીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે જેની કિંમત ૩૫ લાખથીવધુ થવા જાય છે. પકડાયેલા વિદેશી દારૂમાં રોયલ સ્ટેગ, એપીસોડ, મેકડોવેલ નંબર ૧, ઈમ્પીરીયલ બ્લ્યુ, રોયલ ચેલેન્જ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા ડ્રાયવરની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી ભરીને વડોદરા લઈ જવાનો હોવાનું ખુલવા પામ્યું છે.

(7:11 pm IST)