Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાનની ‌પિચકારી મારનારને રૂ. પ૦૦નો દંડ ફટકારશે

અમદાવાદઃ અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં પાનની પિચકારી મારનાર સામે કાર્યવાહી કરીને રૂ.પ૦૦નો દંડ ફટકારવામાં આવશે.

મહારાષ્ટ્રમાં 2016માં એન્ટી-સ્પીટીંગ લૉ અલમમાં મુક્યો હતો, જે અંતર્ગત જો કોઈ રસ્તા પર થૂંકતા પકડાય તો તેણે દંડ ફટકારવો પડે છે. અમદાવાદમાં પણ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે 2015માં પેટાનિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા કે પછી સ્મોકિંગ કરતા પકડાય તો AMC દ્વારા તેને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ દંડની સજા માત્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સત્તા એન્જીનિયરિંગ એન્ડ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ્સને પણ આપવામાં આવી છે. AMC સ્ટાફના 500 સભ્યો આ સજા ફટકારી શકે છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આ નિયમમાં કરવામાં આવેલા સુધારા વિષે જણાવે છે કે, અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. પાછલા 6 મહિનાથી હેલ્થ ડિપાર્ટમેન્ટ ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરીને લોકોને જાહેર સ્થળોની સ્વચ્છતા વિષે જાગૃત કરી રહ્યું છે. હવે જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેમને દંડ ફટકારવાની સત્તા અન્ય બે ડિપાર્ટમેન્ટને પણ આપાવમાં આવી છે. જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે મેનપાવરની જરુર હતી. ઘણાં દુખની વાત છે કે અમુક લોકો જાહેરમાં ધુમ્રપાન કરે છે અને રસ્તા પર થૂંકે છે. નાગરિકોએ પોતાના શહેરને સ્વચ્છ રાખવું જોઈએ.

શહેરની ઘણી કોલેજો પોતાના કેમ્પસની સ્વચ્છતા માટે મોટાં પગલાં લઈ રહી છે. આર.જે.ટિબ્રેવાલ કોલેજના પ્રોફેસર ચિરાગ ત્રિવેદી કહે છે કે, હેલ્ધી કેમ્પસ ઈનિશિએટીવ માટે અમે લોકો નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છીએ. જે વિદ્યાર્થીઓ ધુમ્રપાન કરે છે અથવા તમાકુનું વ્યસન હોય તેમનું અમે કાઉન્સિલિંગ કરીએ છીએ. અમારી કોલેજમાં આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ છે અને કેમ્પસ નો સ્મોકિંગ ઝોન છે.

રાજહંસ સિનેમાના મેનેજર જાગૃત મોદી કહે છે કે, દરેક મલ્ટીપ્લેક્સમાં ‘No Spitting’ બોર્ડ મુકવાની જરુરિયાત છે. પરંતુ માત્ર બોર્ડ મુકવાથી પણ કંઈ નહીં થાય. લોકોને જાહેર સ્થળોએ ગંદકી કરતા રોકવા હશે તો દંડ ફટકારવો પડશે. AMCનું રેગ્યુલર ઓડિટ થવું જોઈએ અને નિયમનો ભંગ કરનારે સજા મળવી જોઈએ.

(6:47 pm IST)