Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કૃષિ કાયદા મુદ્દે કોંગ્રેસ પક્ષ ભારત બચાવો અભિયાનને ગામોની ગલીઓ સુધી લઇ જશે : પરેશ ધાનાણી

તાત્કાલીક અસંવિધાનિક રીતે પસાર કરેલા ત્રણેય કાળા કાયદાઓ રદ કરે : વિધાનસભા વિરોધ પક્ષના નેતાની માંગણી

રાજકોટ, તા. ૧૩ : કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા તેની ઉપર મંજૂરીની મહોર મારી હોવાનું વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્પાદક અને ઉપભોકતા વિરોધી આ કાયદા પાછા ખેંચવાની કિસાનોને માગણીને કોંગ્રેસે ટેકો આપ્યો છે અને હવે કોંગ્રેસ આ મુદ્દો ગામડાથી લઈને ગલી સુધી લઈ જઈને લડત આપશે.

વિપક્ષ નેતાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ દેશની સંસદમાં ઉપલા ગૃહમાં બહુમતી ન હોવા છતાં અસંવિધાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી પ્રદેશ વિરોધી કાયદાઓ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી છે. કમનસીબે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા લોકો વિરોધી, દેશ વિરોધી કાળા કાયદાઓ અસંવિધાનિક પરંપરાને અનુસરીને પસાર કરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને  માલામાલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું તેના  ઉપર નામદાર કોર્ટે લગાવેલી રોક એ હું માનું છું કે પર્યાપ્ત નથી. આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના છે, ખેત ઉત્પાદનો પાણીના ભાવે લુંટાવાના છે, નફાખોરી અને મોંઘવારી સતત વધવાની છે, મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે, નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે, ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે, માર્કેટયાર્ડની જમીનો વેચાઈ જશે, સંગ્રહાખોરી અને કાળાબજારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવશે, ખેડૂતો માટે કોર્ટના દરવાજા પણ બંધ થવાના છે ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નોતરું આપનારા આ ત્રણ કાયદાઓ પર નામદાર સુપ્રીમ કોર્ટની રોકને આવકારું છું.

આજે નામદાર કોર્ટે આ કાળા કાયદાઓ ઉપર રોક લગાવી છે પણ આજે લાખો ખેડૂતો પોતાના હક્ક માટે આ કડકડતી ઠંડીમાં ૬૦ દિવસથી રોડ ઉપર અહીંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં આ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી કેમ નથી હલતું ? એ હવે સમગ્ર દેશવાસીઓના મનમાં સવાલ થાય છે. આવતા દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક અસરથી અસંવિધાનિક રીતે પસાર કરેલા ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ એવી વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગ કરી હતી.

જો સરકાર આ ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ નહિં કરે તો આવતા દિવસોમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહિ મળે અને બીજી તરફ ઉપભોકતા એવા ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ત્યારે ઉત્પાદક અને ઉપભોકતાઓને બચાવવા માટે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ ભારત બચાવો અભિયાનને ગામોની ગલીઓ સુધી લઇ જશે તેમ અંતમાં વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

(3:45 pm IST)
  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST