Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ખેડૂતોને મોટી રાહત : ટેકાના ભાવે મગફળીની ખરીદીની મુદતમાં વધારો " હવે 13મી ફેબ્રુઆરી સુધી ખરીદી કરાશે

કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીદ પ્રક્રિયાની મુદત વધારવા માટે પત્ર લખાયો હતો

 

અમદાવાદ : ખેડૂતોને મોટી રાહતના અહેવાલ છે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગફળી ખરીદવા માટેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ વિભાગે કેન્દ્ર સરકારને મુદ્દત વધારવા માટે લખેલા પત્ર બાદ આગામી 13 ફેબ્રુઆરી સુધીની મુદ્દત વધારવામાં આવી છે.   

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત 1 નવેમ્બર 2019 થી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.પરંતુ આ ખરીદી પ્રક્રિયા દરમ્યાન રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે 17 દિવસ સુધી ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. જો કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીની ખરીદી પ્રક્રિયાની મુદ્દત 29 જાન્યુઆરી 2020 રોજ પૂરી થવા જઈ રહી હતી.

  ત્યારે કમોસમી વરસાદના કારણે ખરીદ પ્રક્રિયામાં 17 દિવસની ગેપ આવી હતી. પરિણામે મગફળી પકવતા ખેડૂતો ટેકાના ભાવે થતી ખરીદીથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના ભાગ રૂપે ભારત સરકાર સમક્ષ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીદ પ્રક્રિયાની મુદત વધારવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. જેને ભારત સરકારે માન્ય રાખતા 90 દિવસ ચાલનારી આ ખરીદી હવે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મગફળી વેચતા ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા છે.

 

(12:06 am IST)