Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભાજપ સામે ફરિયાદમાં પંચ દ્વારા કેમ કાર્યવાહી થતી નથી

અર્જનુ મોઢવાડિયા દ્વારા વેધક પ્રશ્નો ઉઠાવાયા : ફોર બીજેપી ગુજરાત નામના ભાજપના ઓફિશીયલ પેજ પર ફેક ઓપીનીયન પોલ પ્રસિધ્ધ કરીને નિયમોનો ભંગ

અમદાવાદ, તા.૧૩ : ભાજપના ફોર બીજેપી ગુજરાત ઓફિશીયલ પેજ પર એકઝીટ પોલના નામે ફેક ઓપીનીયન પોલ પ્રસિધ્ધ કરી ચૂંટણી આચારસંહિતા અને લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓના ભંગ બદલ ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ, મીડિયા સેલના ઇન્ચાર્જ અને લીગલ સેલના ઇન્ચાર્જ સામે ગઇકાલે ચૂંટણી પંચમાં કરાયેલી ફરિયાદ પરત્વે હજુ સુધી કોઇ પગલાં નહી લેવાતાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર પક્ષપાત અને ભેદભાવનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસ સામે કરેલી ફરિયાદના કિસ્સામાં તાત્કાલિક ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઇ ગઇ અને કોંગ્રેસે ભાજપ વિરૂધ્ધ કરેલી ફરિયાદમાં કેમ કોઇ પગલાં હજુ સુધી લેવાયા નથી. આ સમગ્ર મામલામાં ભાજપના ઉપરોકત કસૂરવાર લોકો સામે તાત્કાલિક ગુનો દાખલ કરી ક્રાઇમબ્રાંચને તપાસ સોંપી નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી કરવા તેમણે ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરી હતી. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ આજે જણાવ્યું હતું કે, વેબસાઇટ પર ઓનલાઇન સર્વેના પરિણામનો ફોટો મૂકનાર કોંગ્રેસના રોહન ગુપ્તા વિરૂધ્ધ ભાજપ દ્વારા કરાયેલી ફરિયાદના કિસ્સામાં ચૂંટણી પંચ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને સમગ્ર મામલામાં ક્રાઇમબ્રાંચે પણ વિધિવત્ ફરિયાદ દાખલ કરીને તપાસ કાર્યવાહી શરૂ કરી દીધી. વાસ્તવમાં પ્રસ્તુત કિસ્સામાં આચારસંહિતાનો ભંગ થતો જ નથી કારણ કે, આચારસંહિતાની જોગવાઇ મુજબ, છેલ્લા ૪૮ કલાકમાં કોઇ એકઝીટ પોલ જારી ના કરી શકાય અને વેબસાઇટ પર ઓનલાઇન સર્વેનો રિપોર્ટ ૪૮ કલાક પહેલા મૂકાયો હતો, જેનું સર્વેનું કામ છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલતુ હતું. વળી, આ એકઝીટ પોલ ન હતો એટલે સમગ્ર મામલામાં ખોટી રીતે ફરિયાદ દાખલ કરાઇ છે અને અમે કાનૂની રીતે લડત આપીશું. દરમ્યાન મોઢવાડિયાએ એ મુદ્દે પણ ધ્યાન દોર્યું હતું કે, મતદાનના દિવસે તા.૯મી ડિેસમ્બરે જ ભાજપના ઓફિશીયલ પેજ ફોર બીજેપી ગુજરાત પર એકઝીટ પોલ વાયરલ કરવા છતાં અને આ અંગે કોંગ્રેસ દ્વારા વિધિવત્ ફરિયાદ ચૂંટણી પંચને આવી હોવાછતાં આ સમગ્ર મામલામાં કોઇ આગળની કાયદેસરની કાર્યવાહી કરાઇ નથી. અમારી ચૂંટણી પંચને ખાસ વિનંતી છે કે, ચૂંટણી ટાણે આચારસંહિતા ભંગના કિસ્સાઓમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે કાર્યવાહી કરે. પ્રસ્તુત કિસ્સામાં કોંગ્રેસની ફરિયાદ પરત્વે શા માટે ક્રાઇમબ્રાંચને સોંપાઇ નથી અને કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરાઇ નથી. મોઢવાડિયાએ બાજપના પ્રદેશ પ્રમુખ, મીડિયા સેલના ઇન્ચાર્જ અને લીગલ સેલના ઇન્ચાર્જ સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કાયદાનુસાર પગલાં ઉગ્ર માંગણી કરી હતી.

(7:48 pm IST)