Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

'વિકાસ' કે 'નવસર્જન': અમદાવાદી મતદારો કાલે કરશે ફેંસલો

મતદાનનું કાઉન્ટ ડાઉન શરૃઃ શહેરના ૩૯૨૨ કેન્દ્ર પર ૮ વાગ્યાથી મતદાન

અમદાવાદ તા. ૧૩ : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થશે. જેમાં ૫૨.૭૫ લાખ અમદાવાદીઓ આવતી કાલે ૧૪ ડિસેમ્બરે સવારે ૮થી ૫ દરમિયાન અમદાવાદ શહેર અને ગ્રામ્યની ૨૧ બેઠકના ઉમેદવારો હાર-જીતનો ફેંસલો કરશે. પહેલી વાર જેમને આ વર્ષે મતદાનનો અધિકાર મળ્યો છે તેવા ૧.૫૧ લાખ યુવા મતદારનું મતદાન ચૂંટણીને રોમાંચક બનાવશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, કોંગ્રેસના સિદ્ઘાર્થ પટેલ અપક્ષ જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓના ભાવિનો ફેંસલો મતદારોના હાથમાં છે.

અમદાવાદની ૨૧ સહિત ઉત્ત્।ર ગુજરાતની ૫૩ અને મધ્ય ગુજરાતની ૪૦ એમ કુલ ૯૩ બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે. ૯૩ બેઠકો માટે ૨.૨૦ કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચે આવતી કાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે તૈયારીઓ પૂરી કરી લીધી છે. શહેરની ૧૬ અને ગ્રામ્યની ૫ સહિત કુલ ૨૧ બેઠક માટે ૧,૧૦૦થી વધુ બિલ્ડિંગમાં બૂથમાં મતદાન યોજાશે.

તેના માટે પોલીસ અને હોમગાર્ડના ૨૦,૦૦૦ જવાનો ઉપરાંત અર્ધલશ્કરી દળ રાજયના પોલીસ ફોર્સની ૧૧૯ કંપની કાર્યરત કરાઈ છે. શહેરમાં કુલ ૧,૬૦૦થી વધુ બૂથ ક્રિટિકલ ગણવામાં આવી રહ્યા છે. આ બૂથ ઉપર અર્ધ લશ્કરી દળોનો જાપતો મુકાયો છે. દરેક પોલીસ સ્ટેશન દીઠ કિવક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. કુલ ૮૧૨ સ્પેશિયલ સ્કવોડ શહેરના કોઈપણ ખણે ચૂંટણીમાં વિક્ષેપ કરવાનો પ્રયાસ કરનારાને પહોંચી વળશે. કંટ્રોલ રૂમ, સીસીટીવી કેમેરા, વીડિયોગ્રાફી સહિત દરેક સ્થળનું મોનિટરિંગ કરાશે.

૬૭ મેજિસ્ટ્રેટ મોબાઈલ, ૩૬૧ પોલીસ ગ્રૂપ મોબાઈલ, ૪૭ પોલીસ સ્ટેશન દીઠ એક એક કિવક રિસ્પોન્સ ટીમ ૩૭ ડીવાયએસપી, ૧૦૨ કંપની, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એસએસબીની ૧૭ કંપની, ૪૫૧ સ્પેશિયલ સ્કવોડ, વીડિયોગ્રાફર સાથે તહેનાત રહેશે. કુલ ૪૦,૮૪૧નો ચૂંટણી સ્ટાફ ફરજ બજાવશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં ૧૦૦ કે તેથી વધુ વયના ૬૩૭ મતદાર છે. ૨૭.૬૨ લાખ પુરુષ અને ૨૫.૧૨ લાખ સ્ત્રી મતદારો છે. દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ સૌની નજર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા પર છે. ૯૫ વર્ષની ઉંમરે પણ તેઓ લોકસભાની ચૂંટણીમાં સક્રિય રીતે મતદાન કરતાં જોવાં મળ્યાં હતાં.

તેઓ ૮થી ૮.૩૦ વાગે મતદાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોર પછી અમદાવાદ મતદાન કરવા આવશે. તેઓ નિશાન વિદ્યાલય રૂમ નં.૩ રાણીપ ખાતે મતદાન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી ખાનપુરમાં, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી વેજલપુરમાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.

કાયદો વ્યવસ્થા જાળવવા ૧૧૬ વ્યકિતઓની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. ૪૧ તડીપાર વિરુદ્ઘ કાર્યવાહી શરૂ કરાઈ છે. હથિયારધારા ભંગ બદલ ૧૩,૫૩૦ વ્યકિત વિરુદ્ઘ કાર્યવાહી કરાઈ છે. જેઓ અમદાવાદ પૂર્વના છે.

ગુજરાતના રાજકારણમાં મહત્ત્વના ગણાતા ઉત્ત્।ર ગુજરાતમાં ૨૭ બેઠક પર ૨૮૨ ઉમેદવારો રહેતાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો માટે અપક્ષ ઉમેદવારો મુશ્કેલી સર્જશે. સૌથી વધુ ૩૪ ઉમેદવાર વાળી મહેસાણાની બેઠક પરથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ લડી રહ્યા છે.

ગત ચૂંટણીમાં ૧૦ કરતાં વધુ ઉમેદવારો ધરાવતી બેઠકો પૈકી ૫ રાધનપુર, પાટણ, વીસનગર, ડીસા અને મહેસાણા ભાજપને મળી હતી. જયારે પાલનપુર, સિદ્ઘપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ કોંગ્રેસના હાથમાં આવી હતી. ઉત્ત્।ર ગુજરાતની ૧૦થી વધુ ઉમેદવારો ધરવતી ૧૧ બેઠક પણ નિર્ણાયક સાબિત થશે.

૨૦૧૨ની ચૂંટણીમાં ૫૦૦૦ કરતાં ઓછા વોટની ૩૬ બેઠક પર હાર જીત થઈ હતી. તેમાં ૨૧ કોંગ્રેસ અને ૧૩ ભાજપે એક એનસીપી અને એક જીપીપીએ મેળવી હતી.

(3:56 pm IST)