Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગાંધીનગરના સે-21 માં રિક્ષાચાલકની હત્યા કરનાર આરોપીને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-ર૧માં આઠ વર્ષ અગાઉ રીક્ષાચાલક યુવાનની છરીના ઘા ઝીંકીને રાંધેજાના યુવાને હત્યા કરી હતી. જે કેસ ગાંધીનગરના બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી દલીલનોને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પત્નિ સાથે આડા સંબંધનો વહેમ રાખીને પતિએ જ આ હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીને પાંચ હજાર રૃપિયાનો દંડ ભરવા પણ હુકમ કરાયો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકુવામાં રહેતાં ૩પ વર્ષીય મહેન્દ્ર ગોકુળભાઈ રાવળ સે-ર૧ વિસ્તારમાં રીક્ષા ચલાવતો હતો. ગત તા.ર૬ ઓગસ્ટ ર૦૧૩ના રોજ મહેન્દ્ર રીક્ષા લઈને સે-ર૧ અપનાબજાર પાસે ઉભો હતો ત્યારે રાંધેજા ગામે રહેતા પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ રાવળ અને તેનો ભાઈ સુનિલ ચંદુભાઈ રાવળ ત્યાં પહોંચ્યા હતા. જયાં પ્રકાશે છરી વડે મહેન્દ્ર ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર ઘાયલ અવસ્થામાં મહેન્દ્રને સારવાર માટે લઈ જવાયો હતો. જયાં તેનું મોત નીપજયું હતું. આ સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. પત્નિ સાથે આડા સંબંધનો વહેમ રાખીને પ્રકાશે આ હત્યાને અંજામ આપ્યો હતો. જે કેસ ગાંધીનગર બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ જજશ્રી એસ.એચ.સોલંકીની કોર્ટમાં ચાલ્યો હતો. જયાં સરકારી વકીલ પ્રિતેશ ડી.વ્યાસે ૩પ સાહેદો તપાસ્યા હતા અને ડોકટર તેમજ એફએસએલ અધિકારીની જુબાની લીધી હતી. સમાજમાં નિર્દોષ વ્યક્તિઓની હત્યા વધી રહી છે ત્યારે આ ગુનામાં આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગણી સરકારી વકીલે કરી હતી. જેના આધારે કોર્ટે દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી પ્રકાશને આજીવન કેદની સજા તેમજ પાંચ હજાર રૃપિયાનો દંડનો હુકમ કર્યો હતો. 

(5:00 pm IST)