Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

શક્તિસિંહ ગોહિલ એમપી અને રાજસ્થાનમાં પ્રચારમાં

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અન્ય નેતાઓ પ્રચાર કરશે : પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને મળશે

અમદાવાદ, તા. ૧૨ : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે તમામ તાકાત લગાવી દીધી છે. સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી આ વખતે સત્તામાં આવવા માટે સજ્જ છે. રાજસ્થાનના મતદારોની પરંપરા મુજબ પાંચ વર્ષ કોંગ્રેસના અને પાંચ વર્ષ ભાજપના રહી છે. આવી સ્થિતિમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી આવી શકે છે. ગુજરાતમાંથી પણ પ્રચાર માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહોંચનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ બિહાર કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે સંપૂર્ણપણે સજ્જ થઇ ચુક્યા છે. શક્તિસિંહ ગોહિલ ૧૨મી નવેમ્બરથી લઇને ૨૫મી નવેમ્બર સુધી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાલી રહ્યા છે. આ ગાળા દરમિયાન તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રચારની સાથે સાથે પાર્ટીની વ્યૂહરચનાને આખરી ઓપ આપશે. પ્રદેશના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પણ આપશે. ૧૭મી નવેમ્બરના દિવસે શક્તિસિંહ ગોહિલ રાજસ્થાનના જયપુરમાં અને ૨૫મી નવેમ્બરના દિવસે જોધપુરમાં ચૂંટણી પ્રચારના હેતુસર પહોંચશે. પ્રચારની સાથે સાથે કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજશે. ૨૦મી નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં જબલપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. સાથે સાથે વરિષ્ઠ નેતાઓ સાથે મળીને નવી નીતિ તૈયાર કરશે. ગોહિલ ઉપરાંત વિધાનસભામાં નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરિયા અને કોંગ્રેસના અન્ય નેતાઓ પ્રચાર માટે પહોંચશે. અલ્પેશ ઠાકોર પણ ગુજરાતમાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના હેતુસર પહોંચશે. અલ્પેશને પણ મોટી જવાબદારી આપવામાં આવી છે.

(9:51 pm IST)