Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમદાવાદમાં સુકાય ગયેલા ૧૬ તળાવોને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાશેઃ ગટરનું પાણી શુધ્ધ કરાશે

અમદાવાદ: શહેરના સૂકાઈ ગયેલા 16 તળાવો હવે ગટરના શુદ્ધ કરેલા પાણીથી છલકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે, 16 તળાવોને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડવામાં આવશે જેથી તળાવો ચોખ્ખા કરેલા પાણીથી ભરેલા રહે. વસ્ત્રાપુર તળાવ ખાતે પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો. જો કે, અહીં દરરોજ 5 લાખ લિટર પાણી પૂરું પાડી શકાય છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં શુદ્ધ કરાયેલા પાણીથી તળાવની ફરતે આવેલા ગાર્ડનમાં પણ પાણી આપવાની યોજના હતી પરંતુ શુદ્ધ પાણી માત્ર તળાવમાં જ જાય છે.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સીનિયર અધિકારીએ કહ્યું કે, “તળાવનો અનુસ્ત્રાવણ કૂવો મોટો હોવાથી તળાવમાં છોડવામાં આવતા પાંચ લાખ લિટર પાણીનો માત્ર ભૂગર્ભજળ તરીકે સંગ્રહ થાય છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું હતું કે ઈચ્છિત બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (COD) મળતા નથી પરંતુ હવે ઈચ્છિત સ્તર મેળવવામાં સફળતા મળી છે. હાલ જે પાણી છોડવામાં આવે છે તે 10 BOD અને 50 CODથી ઓછું છે.”

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું કે, “શરૂઆતમાં વસ્ત્રાપુર તળાવ ખાતે લગાવાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં કંઈક ખામી હતી પરંતુ હવે BOD અને CODનું ઈચ્છિત સ્તર પ્રાપ્ત થાય છે. શહેરના 16 તળાવોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવા માટે અમે ટેન્ડર બહાર પાડી દીધા છે. જો કે અમે પહેલા વસ્ત્રાપુર તળાવ ખાતે લગાવાયેલું STP કેટલું સફળ રહ્યું તે ચકાસીશું ત્યાર બાદ જ બાકીના 16 તળાવોમાં આ કામગીરી કરાશે.”

એક સીનિયર અધિકારીએ કહ્યું કે, “તળાવમાં ગટરનું પાણી ચોખ્ખું કરીને ભરવાથી તળાવ તો ભરેલું રહેશે સાથે જ તળાવની આસપાસના વિસ્તારોમાંથી ઉત્પન્ન થતા સુએજનો પણ યોગ્ય નિકાલ થશે. પાણી બરાબર શુદ્ધ થાય તે જરૂરી છે. પીરાણા પાસે આ કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાથી સાબરમતી નદીમાં ગંદકી થાય છે.”

(5:00 pm IST)