Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમદાવાદનો ચાલાક ચોર ઝડપાયોઃ વિમાનના લેન્ડીંગના અવાજ વખતે જ ઘરફોડ ચોરી કરતોઃ ક્રાઇમ બ્રાંચે ૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધોઃ આરોપી હકીમસિંહ અત્યાર સુધીમાં ૬૦થી ૭૦ ગુનાઓને અંજામ આપી ચુક્યો છે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરીના ગુનાઓ વધતા જોવા મળી રહ્યા છે. એમા પણ ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીઓના બનાવો ઘણા વધારે જ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાચે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે જેની મોડસ ઓપરેન્ડી જાણીને સારા સારા માણસો ચોંકી જાય. કારણે આ આરોપી જયારે પ્લેન ટેકઓફ કે લેન્ડ થાય ત્યારે તેના અવાજનો લાભ લઈ ઘરના તાળાઓ તોડી ચોરી કરતો હતો. આ આરોપીએ અત્યાર સુધીમાં 70 જેટલા મકાનોની ચોરી કરી હોવાની માહિતી મળી રહી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક આરોપીની 4 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ આરોપી હકિમ સિંહ ઉર્ફે કાલીયા જેના ઘણા બધા નામ છે અને તેની પાસે મકાનો પણ અનેક છે જે ચોરીની મોટી મોટી ઘટનાને અંજામ આપતો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.વાય.બલોચની ટીમે આ ઘટનાની માહિતી મળી હતી. જેથી તેઓ પોતાની ટીમ સાથે વોંચ રાખી આ આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી હાલ સુરતના અમરોલીમાં રહે છે અને તેના સાગરિત મુકેશ જે વાહન ચોરી કરી આરોપી હકીમને ફોન કરી જાણ કરતો હતો. જેથી આરોપી હકીમ અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે ચોરીને અંજામ આપી તે વાહન ત્યાં જ મુકીને ફરાર થઈ જતો હતો.

હાલ વાહન અને 9 જેટલી ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયા છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં તમામ ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખુબ જ ચાલાકીવાળી હતી. કોઈ વાહન પસાર થાય અથવા કોઈ પ્લેન ટેક ઓફ થાય અથવા લેન્ડ થાય તે સમયે તેના અવાજનો લાભ લઈ ઘરનો દરવાજો તોડી દેતા હતા અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા.

આ આરોપી હકિમ સિંહ અત્યાર સુધીમાં 60 થી 70 ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. આ આરોપી બે વાર તો પોલીસના સંકજામાંથી પણ ફરાર થઈ ગયો હતો. જો કે, આ આરોપી તેના જુદા જુદા સાથીદારો પાસેથી બાઈકની ચોરી કરાવતો અને તે બાઈક મંગાવી રાત્રે તે ચોરીને અંજામ આપતો હતો અને ત્યારબાદ તે બાઈક ઘટના સ્થળે જ રાખી ફરાર થઈ જતો હતો.

(5:25 pm IST)