Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરા તાલુકાના ગાંગપુર ગામ પાસે મહિલા ઉપર દુષ્કર્મ આચરીને ઝાડીઓમાં ફેંકી દીધીઃ ગંભીર હાલતમાં સુરત હોસ્પિટલમાં સારવારમાં: અમદાવાદમાં બે દિવસમાં ૪ બાળાઓ નરાધમોની વાસનાનો ભોગ બની

સુરત: મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો ભલે દેશમાં કરવામાં આવતી હોય, પરંતુ હકીકત એ છે કે નિર્ભયા સાથે બનેલી ઘટનાનું પુનરાવર્તન આજે પણ થયાવત રહેવા પામ્યું છે. હજી તો હાથરસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો સુરતમાં પણ એક મહિલા આવી જ ઘટનાનો શિકાર બની છે. આ ઘટના સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની છે. અહીં ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવી હતી જેને સારવાર માટે સુરતની સિવિલમાં ખસેડાઈ હતી.

આ ઘટના અંગે એક ટ્રેનના ડ્રાઈવર દ્વારા અકસ્માતના કોલથી માહિતી આપવામાં હતી. જેનાં લીધે ઘટનાસ્થળે 108ની ટીમ પહોંચી ગઇ હતી. મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રેલ્વે ટ્રેક પાસેની ઝાડીઓ વચ્ચે પડી હતી. મહિલાનાં ગુપ્તભાગે લોહી નીકળતું હતું. જો કે મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. મહિલાના હાથે-પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ થઇ છે. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે પોલીસનું કહેવું છે કે, મેડિકલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આખરે મહિલા સાથે શું બન્યું હતું?

મહિલાની પ્રાથમિક તપાસ કરનાર નવી સિવિલ હોસ્પિટલના ડૉકટર ઓમકાર ચૌધરીનું કહેવું છે કે, મહિલાનાં શરીર પર અનેક ઇજાના નિશાન છે. પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતાં. ઉપરાંત તેનાં હોઠ કપાયેલી હાલતમાં હતાં. આ સાથે જ ગુપ્તભાગમાંથી સતત લોહી નીકળતું હતું. જેથી મહિલા સાથે દુષ્કર્મ કરીને તેને ફેંકી દેવામાં આવી હોઇ શકે છે. આ મહિલા માનસિક બીમાર હોવાનું પણ દેખાઇ રહ્યું છે.

અમદાવાદમાં બે દિવસમાં ચાર બાળકીઓ વાસનાનો ભોગ બની

અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ મહિલાઓ સિવાય હવે માસૂમ બાળકીઓને લઇને પણ સરકાર અને પોલીસ તંત્ર સામે સવાલો ઊભા થઇ રહ્યાં છે. કેમ કે અમદાવાદમાં પણ તાજેતરમાં જ બે દિવસમાં ચાર બાળકીઓ નરાધમોની વાસનાનો ભોગ બની ચુકી છે. જો કે રાજ્યમાં બનતી આવી ઘટનાઓને લઇને અહીં સવાલ એ ઊભા થાય છે કે, આખરે મહિલાઓની સુરક્ષાની વાતો કરતી તેમજ બેટી બચાઓ ને બેટી પઢાઓના દાવા કરતી સરકાર સામે અનેક પ્રશ્નો ઊભા થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં જામનગરમાં પણ માત્ર 4 દિવસમાં દુષ્કર્મની ત્રણ ઘટના ઘટી હતી. જેમાં દુષ્કર્મની બે ઘટનામાં જામનગરમાં પ્રથમ ઘટનામાં 17 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. ત્યાર બાદ સગીરા પર આઠ મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. આ કિસ્સાની જાણ થતા સગીરાના પિતાએ સમાજના ડરથી જીવન ટૂંકાવ્યું. સગીરા પુખ્ત વયની થતાં તેને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે હવે પ્રશ્ન એ ઊભા થઇ રહ્યાં છે કે, ગુજરાત રાજ્ય મહિલાઓ માટે જે સુરક્ષિત ગણાતું હતું તે ગુજરાત હવે દિવસે ને દિવસે મહિલાઓ માટે અસુરક્ષિત થઇ રહ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થયો છે.

(5:19 pm IST)