Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોંગ્રેસમાં કકળાટ : અબડાસાના શાંતિલાલ સાંઘાણી સામે કૈલાસદાન ગઢવીની 'બગાવત'

દિગ્ગજ નેતા કૈલાસદાન ગઢવીએ અમિત ચાવડાને રાજીનામુ ધરી દીધુ

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણીની પાંચ બેઠક માટે ગઇકાલે કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાતા કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. ખાસ કરીને અબડાસામાં શાંતિલાલ સાંઘાણીને પક્ષે ટિકિટ આપતા દિગ્ગજ નેતા કૈલાસદાન ગઢવીએ બગાવતનું બ્યૂગલ ફૂંકયું છે. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ કૈલાસદાન ગઢવીએ તેમનું રાજીનામુ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધરી દીધું છે. તેઓ કહે છે, 'શાંતિલાલ સાંઘાણીએ ગત ચૂંટણીમાં શકિતસિંહ ગોહિલ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. આવા પક્ષ વિરોધીને ટિકિટ આપી તેનો અર્થ પક્ષને સારા ઉમેદવારની જરૂર નથી.'

કોંગ્રેસ દ્વારા ગઇકાલે અબડાસા ઉપરાંત મોરબી, ધારી, કરજણ, અને ગઢડા બેઠક પરથી પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાતા પક્ષમાં ભંગાણ પડયું છે. પક્ષના દિગ્ગજ નેતા કૈલાસદાન ગઢવીએ અબડાસાના શાંતિલાલ સાંઘાણીની પસંદગી સામે ભારે નારાજગી દર્શાવીને પ્રદેશ પ્રમુખને રાજીનામું ધરી દેતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો ફેલાઇ ગયો છે.

કૈલાસદાન ગઢવીએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, નમસ્કાર પ્રમુખશ્રી, 'આજે હું ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ (પ્રમુખ ગુજરાત) તથા પાર્ટીની અન્ય જવાબદારીમાંથી રાજીનામું આપું છું. પાર્ટીમાં ઇમાનદાર અને વફાદાર લોકોની અવગણના કરવામાં આવે છે તે ખરેખર દુઃખદ છે. પાર્ટીના ઉમેદવારની વિરોધમાં છેલ્લી બે ચૂંટણીથી કામ કરનાર વ્યકિતને પાર્ટી ટિકિટ આપે છે અને તન-મન-ધન અને ઇમાનદારીથી પાર્ટીની સેવા કરતા લોકોની અવગણના કરવામાં આવે છે. આ ખરેખર દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપું છું. જયહિંદ.'

દરમિયાન આ અંગે તેમનો સંપર્ક કરતા તેઓ રોષભેર કહે છે, 'હું વર્ષોથી અન્યાય સહન કરતો આવ્યો છું, પણ હવે થાકયો છું. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સાબરમતી બેઠક પરથી મારૂ નામ નક્કી હતું. હું મહેનત કરીને સાબરમતી બેઠકને 'સી'-કેટેગરીમાંથી 'બી' કેટેગરીમાં લાવ્યો હતો., પરંતુ છેલ્લી ઘડીએ જીતુભાઇ પટેલને ટિકિટ આપીને મારી તમામ મહેનત પર પાણી ફેરવી દઇને મારી સાથે અન્યાય કરાયો હતો.'

અબડાસાની પેટા ચૂંટણી માટે સ્થાનિક લોકોની લાગણી મારી સાથે હતી. આ લોકો મને ઉમેદવાર તરીકે જોવા ઇચ્છતા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને અમદાવાદમાં મળીને સ્થાનિક લોકોએ મારા નામનો આગ્રહ પણ રાખ્યો હતો. પાર્ટીએ મને અબડાસા માટે પૂછતા મેં ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પાર્ટીને હું યોગ્ય ઉમેદવાર લાગું તો મને ટિકિટ આપશે.

જોકે અબડાસામાં શાંતિલાલ સાંઘાણી જેવા પક્ષ વિરોધીને ટિકિટ આપવાને બદલે રમેશ ધોળુ અને વિસંજી પાથાણી જેવા નેટવર્ક ધરાવતા સારા કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જરૂર હતી, પરંતુ જે વ્યકિતએ શકિતસિંહ ગોહિલ જેવા નેતા વિરૂદ્ધ કામ કર્યું હોય તેવાને ઉમેદવાર બનાવવો તે ખોટું છે. પ્રદેશ પ્રમુખને અમદાવાદમાં ચાર દિવસ પહેલા મળીને શાંતિલાલ સાંઘાણીને ટિકિટ અપાશે તો હું જાહેર જીવન છોડી દઇશ. તેની જાણ પણ કરી હતી. જોકે આ કાર્યકર્તાઓની લડાઇ છે. હાલ અન્ય પક્ષમાં જોડાવા બાબતે વિચાર્યું નથી.

(3:50 pm IST)