Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નવરાત્રી-દિવાળી તહેવારોમાં કોવિડ-૧૯ નિયમોનું ચુસ્ત પાલનઃ ગૃહ વિભાગ

નવરાત્રીમાં ગરબીનું સ્થાપન કરી પૂજા-આરતીની છૂટઃ દશેરા-દિવાળી-ઇદની ઉજવણી ઘરમાં રહીને કરવી હીતાવહઃ લગ્ન-સત્કાર સમારોહ-શૈક્ષણીક-રાજકિય-સામાજીક-ધાર્મિક સમારોહમાં માત્ર ૧૦૦ વ્યકિતઓ અથવા સ્થળની પ૦% કેપેસીટી બેમાંથી જે સંખ્યા ઓછી હોય તે મુજબ વ્યવસ્થા કરવીઃ નિયમ ભંગ કરનાર સામે એપેડેમિક એકટ હેઠળ કાયદાકિય કાર્યવાહી થશેઃ ૧૬મીથી અમલી બનશે નવુ જાહેરનામૂ

રાજકોટ તા. ૧૩ :.. આગામી નવરાત્રી દિવાળીનાં તહેવારોમાં કોરોનાં સંક્રમણ વધતું અટકાવવા રાજયનાં ગૃહ વિભાગનાં અધિક સચિવ કે. કે. નિરાલા દ્વારા આગામી તા. ૧૬ ઓકટોબરથી અમલી બનતુ કોવિડ-૧૯ નિયમો અને માર્ગદર્શીકાનું નવુ જાહેરનામુ  પ્રસિધ્ધ કર્યુ છે.

આ જાહેરનામામાં જણાવાયુ છે કે, સમગ્ર દેશમાં કોરોનાની અસરો ધ્યાને લેતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે.

જે અન્વયે પુખ્ત વિચારણા બાદ રાજય સરકારે તા. ૧૬ ઓકટોબર થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવાનું નકકી કરેલ છે.

કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહનું નીચેની શરતોને આધીન આયોજન કરી શકાશે.

(૧) ૬ ફુટની દૂરી સાથે આયોજન કરવાનું રહેશે.

(ર) સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે.

(૩) થર્મલ સ્કેનીંગ, ઓકિસમીટર (સેનેટાઇઝર સાથે) ની સગવડતા પુરી પાડવાની રહેશે. સ્ટેજ, માઇક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે.

(૪) હેન્ડ વોશ/ સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજીયાત અમલ કરવાનો રહેશે.

(પ) સમારંભ દરમિયાન થંૂકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતીબંધ રહેશે.

(૬) ૬પ થી વધુ વયના વયસ્ક નાગરીકો, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યુ છે.

(૭) આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાહક રહેશે.

(૮) બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે ખુરશીની ચારેય બાજુ ૬ ફુટની દુરી જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે.

(૯) આ પ્રકારના પ્રસંગમાં જો ચા - નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તો તે સમારંભ સ્થળે નહી, પરંતુ અલાયદા હોલ, સ્થળે રાખવાનું રહેશે. જયાં એક જ સમયે પ૦ થી વધુ વ્યકિતઓ એકત્રીત ન થાય તથા બેઠક વ્યવસ્થા દરમિયાન વ્યકિત-વ્યકિત વચ્ચે ૬ ફુટનું અંતર જળવાય તેની કાળજી રાખવાની રહેશે.

(૧૦) તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુર્ત જ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવાનો રહેશે.

કોમ્યુનિટી હોલ

બંધ સ્થળો જેવા કે હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરેન્ટ, ઓડીટોરીયમ, કમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે સ્થળે સામાજીક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનંુ ઉપરોકત -૩ માં દર્શાવેલ બાબતોનું પાલન કરવાનું રહેશે.

(૧) સ્થળની ક્ષમતાના પ૦%થી વધુ નહી, પરંતુ મહતમ ર૦૦ વ્યકિતની મર્યાદામાં જ સમારોહ/ પ્રસંગનું આયોજન કરી શકાશે.

(ર) લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના પ૦% અથવા ૧૦૦ વ્યકિતઓ બેમાંથી જે ઓછું હોય તેટલી સંખ્યામાં

પાર્ટી પ્લોટ

જયારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

સામાજિક કાર્યક્રમો

લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના પ૦% અથવા ૧૦૦ વ્યકિતઓ બેમાંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં,

મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદા રહેશે.

નવરાત્રીની ઉજવણી

(૧) રાજયમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી. (ર) નવરાત્રી દરમ્યાન સ્થાનીક વહીવટી તંત્રની પૂર્વ મંજુરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના પુજા અને આરતી કરી શકાશે. (૩) કાર્યક્રમમાં ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહિ તેમજ પ્રસાદ વિતરણ કરી શકાશે નહી. પુજા અને આરતીના કાર્યક્રમમાં ઉપરોકત ૩માં દર્શાવેલ તમામ શરતોના પાલન સાથે મહત્તમ ર૦૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત થઇ શકશે નહી. આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે.

તહેવારોની ઉજવણી ધાર્મિક કાર્યક્રમો

(૧) ગરબા, દુર્ગા પુજા, દશેરા, ઇદ-એ-મિલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમાં, દિવાળી, બેસતું વર્ષ, ભાઇબીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધીત ધાર્મિક પુજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે રહીને કરવી સલાહભર્યું છે. (ર) આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજુરી આવશ્યક રહેશે.  (૩) ખુલ્લી જગ્યાઓએ પુજા અને આરતી કરી શકાશે. પરંતુ ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહી. આવા કિસ્સામા પારા-૩ ની તમામ શરતોના પાલન સાથે મહત્તમ ર૦૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત થઇ શકશે નહીં. આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે. (૪) પરંતુ મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્રમો જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.(પ) ઉપરોકત કાર્યક્રમો દરમિયાન પ્રસાદ વિતરણ કરી શકાશે નહી.

આમ ઉકત તમામ નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે તેનો ભંગ કરનારા સામે એપેડેમિક એકટ હેઠળ કાયદાકિય પગલા લેવાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

(3:44 pm IST)