Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નમસ્તે ટ્રમ્પ : કાર્યક્રમમાં પીવાના પાણીનો ખર્ચ 26 લાખથી વધુ : 96 લાખથી વધુ સફાઈમાં વપરાયા : RTI માં ખુલાસો

પાણીની એક બોટલ રૂપિયા 26 : સાફ સફાઈ કરવા માટે 3032 હંગામી કર્મચારીઓ માટે સાત દિવસના 96 લાખ રૂપિયા ખર્ચાયા : લોકોના ટેક્ષના પૈસે તાગડધિન્ના કર્યાનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે અધધ ખર્ચો કર્યો હોવાનો ખુલાસો થયો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પાણીની એક બોટલ રૂપિયા 26 અને સ્વચ્છતા પાછળ પણ કરોડોનો ખર્ચો કર્યો હોવાનો RTIમાં ખુલાસો થતા હડકંપ મચી જવા પામ્યો છે. આરટીઆઈકર્તાએ મોટું કૌભાંડ થયાનો આક્ષેપ લગાવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ્ર ટ્રમ્પના બે દિવસના આ ભારત પ્રવાસમાં એક દિવસ ગુજરાત અને બીજા દિવસ દિલ્હી ગયા હતા. આ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર અને અમ્યુકોએ લોકોના ટેક્ષના પૈસે તાગડધિન્ના કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં અરજદારોએ કરેલી RTIનો જવાબ કોર્પોરેશનના અલગ અલગ વિભાગે આપ્યો હતો.

  • સ્ટેડિયમ સફાઈ નો ખર્ચ 96,53,888 /-
  • પીવાના પાણી નો ખર્ચ 26,25,100 /-
  • કેમેરા લાઈટ નું બિલ 9,55,072 /-
  • કુલ 1,32,34,060 /-

લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું અરજદારે કહ્યું હતું. એક વિદેશના નેતાની અમુક કલાકની મુલાકાતમાં પાણી માટે પાણીની જેમ પૈસો ઉડાવવામાં આવ્યો હતો. પાણીના એક બોટલ એક લાખ લોકો સામે 26 રૂપિયામાં પડી હતી. તો સાફ સફાઈ કરવા માટે 3032 હંગામી કર્મચારીઓ માટે સાત દિવસના 96 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. અરજદારે માંગેલી માહિતી મુજબ ત્રણ માહિતીઓ આપવામાં આવી હતી. જેનો કુલ રકમનો આંકડો પણ કરોડો સુધી પહોંચ્યો છે. વિપક્ષ નેતા દિનેશ શર્માએ ડોનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમના ખર્ચ અંગે જણાવ્યું હતું કે, અમ્યુકો પ્રજાના પૈસા ઉડાવી રહ્યા છે.

એક જ કાર્યક્રમમાં આટલો બધો ખર્ચો થવાથી કોર્પોરેશનની તિજોરી પર ભાર પડે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ થાય છે. વિપક્ષ નેતાએ આને એક સુનિયોજીત ભ્રષ્ટાચાર ગણાવ્યું હતું. લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને મેયર દ્વારા કરવામાં આવેલ ફાલતુ ખર્ચ ગણાવ્યો હતો.

(12:03 pm IST)