Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ગુજરાતની પેટાચૂંટણીને લઇ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા ફરીથી સક્રિય થયા

રવિવારે રિવરફ્રન્ટ ખાતે શકિતદળની શિબિર થશે : ગ્રેજયુએટ અને બેરોજગાર યુવાનોને સાચી દિશા આપવા શકિતદળ કામ કરશે : શંકરસિંહ વાઘેલાએ ખાતરી આપી

અમદાવાદ, તા.૧૨ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધતો જાય છે. રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ હવે પેટાચૂંટણીને લઇ સક્રિય બની રહ્યા છે. ખાસ કરીને ભાજપના ઉમેદવારોને મ્હાત આપવા ખાસ પ્રકારની રણનીતિ સાથે બાપુ પડદા પાછળ રહીને પણ મહત્વની ભૂમિકા ભજવે તેવી પૂરી શકયતા છે. એનસીપીમાં જોડાયેલા પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું શકિતદળ ફરી સક્રિય થઇ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આવતીકાલે રવિવારે શંકરસિહ તેમના ઓરીજનલ શકિતદળની શિબિર યોજી ફરી એકવાર ગુજરાતની પેટાચૂંટણી પહેલાં શકિતપ્રદર્શન કરવાની ફિરાકમાં છે ત્યારે ભાજપ દ્વારા પણ બાપુની રણનીતિ અને વ્યૂહરચનાને નાથવાના ચક્રો ગતિમાન કરી દેવાશે તે નક્કી છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચો ખોલ્યા બાદ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ પરથી શકિતદળને ફરીથી ઉભું કરવા માટે સક્રિય થઇ ગયા છે. રવિવારે રિવરફ્રન્ટ પર શકિતદળની શિબિર યોજાવાની છે, તેને લઇ તૈયારીઓ ચાલી રહી છે.

આ શકિતદળ શિબિરમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષો પહેલા બાપુએ શકિતદળની સ્થાપના કરી હતી. રિવરફ્રન્ટ પરથી શકિતદળ શિબિરમાં ફરી બાપુ પોતાનુ શક્તિપ્રદર્શન કરી નવો હુંકાર કરે તેવી શકયતા છે. દરમ્યાન ગ્રેજયુએટ યુવાનોને સાચી દિશા આપવા શકિતદળ કામ કરશે એવું શંકરસિંહ વાઘેલાએ આજે જણાવ્યું હતું.

(9:33 pm IST)