Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ધર્મ સ્થાન માનવીને માનસિક શાંતિ આપે છે : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત

વેસુ ખાતે જિનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું : ભગવાન મહાવીરના સિદ્ધાતો વગર વિશ્વ ચાલશે જ નહીં

અમદાવાદ, તા. ૧૨ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરના વેસુ ખાતે પંચશિખરબદ્ધ 'શ્રી લબ્ધિ વિક્રમ આરાધના સંકુલ'નું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના સિદ્ધાંતો સ્વીકાર્યા વિના વિશ્વને ચાલશે નહિ. આચાર્ય પદ્મયશસુરીશ્વરજી મ.સા. અને આચાર્ય અજિતયશસુરીશ્વરજી મ.સાની નિશ્રામાં ગુરૂકૃપા શ્વેતામ્બર મૂર્તિપુજક જૈન સંઘ, વેસુ દ્વારા આયોજિત ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના દુંરદેશીભર્યા સૌનો સાથ સૌનો વિકાસ''ના મહામંત્રને અનુસરીને બધા સમાજને સાથે રાખી ચાલનારી આ સરકારે સમરસતાનો સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ સુરતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટી- તકોની ભૂમિ ગણાવતાં કહ્યું કે, સુરતના સમાજ શ્રેષ્ઠીઓએ પોતાની સંપત્તિને સારા માર્ગે વાળીને સમાજસેવા અને ધર્મસેવાની જ્યોત જગાવી છે.

                આ સંદર્ભમાં તેમણે ભગવાને આપેલી સંપત્તિનો સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરનારા દાતા શાહ પરિવારને પંચશિખરબદ્ધ જિનાલયના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, શરીર કરતા આત્માનું મહત્વ સમજીને ભૌતિક સુખો કરતા શાશ્વત સુખોને કેન્દ્રસ્થાને રાખી નિર્માણ પામનાર આ જિનાલય માનસિક શાંતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય જૈન આરાધના સંકુલ દ્વારા અનેક આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો લાભ સૂરતની જનતાને મળતો રહેશે. આસ્થા અને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમા ધર્મસ્થાનોએ માનવીને માનસિક શાંતિ આપી છે, ત્યારે શાંતિ અને શાશ્વત સુખની પરિભાષા દ્વારા નિજાનંદથી આત્માના કલ્યાણ માટે માનવી શરીર, મન અને બુધ્ધિ સાથે આત્મકલ્યાણ તરફ આગળ વધે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ધ્યાન અને સાધના દ્વારા મનુષ્ય નિર્મળ બને છે.

(9:29 pm IST)