Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

આધુનિક શહેરોની સમક્ષ ઉભા રહેવાની દેશના શહેરની ક્ષમતા

ઓલઈન્ડિયા મેયર કાઉન્સિલ સેમિનાર યોજાયો : લઘુતમ સાધનોનો મહત્તમ અને કરકસરપુર્વક ઉપયોગ કરવો ગુડ ગવર્નન્સની નિશાની : મુખ્યમંત્રી વિજય રૂપાણી નો અભિપ્રાય

અમદાવાદ, તા. ૧૨ : સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસીય ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સીલ સેમિનારને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુઘડ શહેરોની સાથે પર્યાવરણની સ્થિતિ પણ જળવાઈ રહે તે રીતે સુનિયોજીત શહેરોનો વિકાસ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. શહેરોમાં રસ્તા, ગટર, વીજળી, પાણીને પ્રથમ મહત્વ આપીને આવશ્યકતા અનુસાર ગુજરાતની કોર્પોરેશનોને અનેકવિધ યોજનાઓ તૈયાર કરીને કરોડોની ગ્રાંટો થાય, વરસાદના ટીપે ટીપાનો ઉપયોગ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. ૨૦૨૨  સુધીમાં સમગ્ર ગુજરાતમાં નલ સે જલ મળે, રૂફટોપ સોલાર દ્વારા આઠ લાખ ઘરોની આગાશી પર ુપેનલો લાગે તેવા અનેકવિધ લક્ષ્યાંકો વિશેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સુરતએ ઓવરબ્રિજોની નગરી છે. ગુજરાતના શહેરોની વિશ્વકક્ષાના શહેરોની સાથે સ્પર્ધા થાય તે પ્રકારનું તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે.

            શહેરોનો સુનિયોજીત વિકાસ થાય તે દિશામાં ચર્ચા થવી જોઈએ.  તેમણે કહ્યું કે, મેયરોને વધુ સત્તા મળે તે માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે. ભૂતકાળની સરકારોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડીને સરકાર પાસેથી આર્થિક ભંડોળ મેળવવું દુષ્કર હતું. તેમણે સ્વબળે વિકસાવેલા આર્થિક સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડતું હતું એ સ્થિતિને યાદ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રોત્સાહન આપીને સ્થાનિક વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર સરકારે એક સ્માર્ટ સિટીના નિર્માણ પાછળ ૫૦૦ કરોડની જંગી ફાળવણી કરીને શહેરોની કાયાપલટ કરવાની દિશામાં આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર 'જ્યાં માનવી ત્યાં સુવિધા' અને 'વિવાદ નહિ પણ સંવાદ'ના લક્ષ્ય સાથે અર્બન ડેવલપમેન્ટ પાછળ રૂ.૧૧ હજાર કરોડ રૂપિયા ખર્ચી રહી છે.

          'કામ કરો, નાણાંની ચિંતા છોડો' એવી પ્રોત્સાહક નીતિ અપનાવીને આ સરકાર ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકાઓને જનતાની સુખ સુવિધા વધારતા વિકાસકાર્યો માટે પ્રોત્સાહિત કરી રહી હોવાનું જણાવી રાજ્યભરમાં રોડ-રસ્તા, પાણી, વીજળી, કૃષિ સંસાધાનો, સિંચાઈ, શિક્ષણ  જેવી પાયાની સુવિધા વિકસાવીને ગામડાં અને શહેરોમાં સમતોલ વિકાસનો પાયો નાખ્યો છે એમ ગર્વથી જણાવ્યું હતું. ઉપસ્થિત મેયરોને સુશાસન દ્વારા જનાધાર હાંસલ કરવાની શીખ આપતા મુખ્યમંત્રીએ લઘુતમ સાધનોનો મહત્તમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો એ ગુડ ગવર્નન્સની નિશાની હોવાનું જણાવ્યું હતું. વિકાસથી હેપીનેસ ઇન્ડેક્સ વધારવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યમાં ૪૫ ટકા જેટલું શહેરીકરણ થયું છે. ગામડાથી શહેરોમાં સ્થળાંતર વધ્યું છે, ત્યારે સ્થળાંતરિત નાગરિકોની સુખ સુવિધાની કાળજી લેવી જોઈએ, કારણ કે શહેરોની સ્થિતિથી રાજ્યની ઈમેજ બનતી હોય છે.

(9:27 pm IST)