Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

બાઇક પર જતાં દંપતિને ટ્રકે હડફેટે લીધા : બાળકીનું મોત

ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોતથી અરેરાટી : અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ : બાળકીના મોતના કરૂણ દ્રશ્યો જોઇ ભલભલાના કાળજા કંપી ગયા

અમદાવાદ, તા.૧૩ : વડોદરા શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી. ટેમ્પો સ્ટેન્ડ પાસે આજે શનિવારે સવારે મોટર સાઇકલ સવાર દંપતિ અને પુત્રીને ટ્રકે અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં ત્રણ વર્ષની માસુમ બાળકીનું સ્થળ પર મોત નીપજ્યું હતું. દંપતિને ગંભીર ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે આ સંપૂર્ણ ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં બાઈક ઉપરથી માતા પુત્રી પટકાયા હતા. જે બાદમાં સામેથી આવી રહેલી ટ્રકની અડફેટે આવી જતાં બાળકીનું મોત થયું હતું. જો કે, બાળકીના માતના કરૂણ દ્રશ્યો જોઇ ભલભલાના કાળજા કંપી ગયા હતા. અકસ્માતના આ બનાવને પગલે ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, જામ્બુવા બ્રિજ પાસે આવેલા નુર્મ આવાસમાં અજય જસુભાઇ સોલંકી (ઉ.વ.૨૭), પત્ની પૂજાબહેન (ઉ.વ.૨૫) અને પુત્રી દક્ષીતા (ઉ.વ.૩) સાથે રહે છે. અજયભાઇ મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરે છે. જ્યારે પૂજા મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘરકામ કરવા માટે જાય છે. શનિવારે સવારે રાબેતા મુજબ અજય સોલંકી તેમનાં પત્ની અને પુત્રીને પોતાની મોટર સાઇકલ ઉપર લઇને નોકરીએ જવા નીકળ્યા હતા. રોજની જેમ અજયભાઇ આજે સવારે પોતાની પત્ની પૂજા અને પુત્રી દક્ષીતાને લઇ મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પરથી પસાર થતા હતા ત્યારે જી.આઇ.ડી.સી. ટેમ્પો સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી ટ્રકે તેઓની બાઇકને ટક્કર મારતા ત્રણે લોકો ફંગોળાયા હતા. જેમાં ત્રણ વર્ષની માસુમ બાળકી દક્ષીતાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે દંપતિને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ ગભરાઇ ગયેલો ટ્રકચાલક સ્થળ પર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત દંપતિને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આજે સવારે બનાવ બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ ઉપર બેફામ પસાર થતા વાહન ચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. બીજીબાજુ આ બનાવ બનતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે ખાસ કરીને ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને ઘેરા શોકનો માહોલ છવાઇ ગયો હતો.

(8:11 pm IST)