Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પરપ્રાંતીયો જ પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, સોશ્યલ મિડીયા વિરોને શોધી કઢાતા તેમની પણ હામ ભાંગી ગઈઃ રસપ્રદ કથા

નવરાત્રી-દિપોત્સવી તહેવારોએ જ પરપ્રાંતીય હુમલાની ઘટનાઓ અટકતા રાજ્ય પોલીસ તંત્રએ અંતે હાશકારો લીધો

રાજકોટ, તા. ૧૩ :. અમદાવાદ સહિત રાજ્યભરમાં પરપ્રાંતીયો પર બિલાડાના ટોપ માફક હુમલાઓની સર્જાયેલી વણઝાર અને ગુજરાતની અસ્મિતાને ઝંખવે તેવી ઘટનાઓ અને રાજ્ય સરકાર તથા વિપક્ષ કોંગ્રેસ બન્ને જે ઘટનાઓને કારણે રોંગ બોક્ષમાં મુકાયેલા તેવી શિરદર્દ સમી પરપ્રાંતીયો પરના હુમલાની ઘટનાઓને દિપોત્સવી અને નવરાત્રીના તહેવારો સમયે જ સજ્જડ બ્રેક મારવામાં પોલીસને સફળતા સાંપડી છે.

ગુજરાતના ઉદ્યોગને ભારે નુકશાન કરતી આ ઘટના રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ ચીફ સેક્રેટરી દ્વારા થતુ હતુ. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રથમ દિવસથી લો એન્ડ ઓર્ડરના વડા સંજય શ્રીવાસ્તવ વિગેરે સાથે બેઠક કરી પત્રકારોને આવી ઘટના માટે જવાબદારો સામે આકરામાં આકરા પગલાની જાહેરાત કરી સંતોષ માનવાના બદલે સઘન કાર્યવાહી કરી જે પણ ફળદાયી નિવડી.

રાજ્ય પોલીસ તંત્રમાં નાની ઉંમરે કુનેહથી કોઈપણ પ્રશ્ન ટેકલ કરવા માટે નામના ધરાવતા અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે તો એક ડગલુ આગળ વધી પોતાના વિસ્તાર કે જ્યાં ગુજરાતની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જ્યાં સૌથી વધુ પરપ્રાંતીયો વસે છે. તેવા વિસ્તારમાં હજ્જારો પેમ્ફલેટ હિન્દીમાં બહાર પાડયા અને આ કાર્યમાં ડીસીપી સૌરભ તોલંબીયા તથા નિરજ બડગુજર વગેરેએ સક્રિય ભૂમિકા ભજવી. ઉકત પેમ્ફલેટમાં પોલીસમાં ઈમરજન્સી ફોન નંબર સહિત પોતાના નંબરો પણ આપ્યા, નાની મોટી ૧૦૦૦ જેટલી પોલીસ સ્ટાફ પાસે બેઠકો કરાવી પરિણામે વિશ્વાસ વધ્યો અને ખુદ અહીં રહેલા પરપ્રાંતીયો જ પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર બની ફોન દ્વારા પોતાના વતન ચાલ્યા ગયેલા લોકોને પરત બોલાવ્યા.

બીજી તરફ સોશ્યલ મીડીયામાં ભડકાઉ પોસ્ટ મુકનાર ૫૦ જેટલા લોકોને ઓળખી કાઢી તેમની સામે આકરી કાર્યવાહી કરાતા સોશ્યલ મીડીયા વિરો શૂરાતન ભૂલી પોસ્ટો કરવાનું ભૂલી ગયેલા. આમ પોલીસની પ્રસંશનીય ભૂમિકાએ પરપ્રાંતીયોમાં વિશ્વાસ જગાવવા સાથે હુમલાખોરોની હામ ભાંગી નાખી અને શાંતિની આ રીતે સ્થાપના થઈ.(૨-૮)

(11:56 am IST)