Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું ભાડુ રૂ.૩૦૦૦ આસપાસ રહેશેઃ નેશનલ હાઇસ્‍પીડ રેલ કોર્પોરેશન લિમીટેડની જાહેરાત

અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ભાડું લગભગ રૂ.3000ની આસપાસ રહેશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)ના એક અધિકારીએ ગુરૂવારે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે અત્યાર સુધીમાં 45 ટકા એટલે કે 622 હેક્ટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે અને બાકીની જમીનના સંપાદનનું કાર્ય ચાલુ છે.

NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરે સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે કુલ 1,380 હેક્ટર જમીનની જરૂર છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની મળીને ખાનગી, સરકારી, વન વિભાગ અને રેલવેની જમીનનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 622 હેક્ટર(45 ટકા) જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. અમે આ પ્રોજેક્ટ પુરો કરવાની ડેડલાઈન 2023ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ."

અચલ ખરેએ વધુમાં જણાવ્યું કે, "આ સમગ્ર પ્રોજેક્ટને કુલ 27 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. જેમાં સિવિલ વર્કના ટેન્ડર બહાર પડાઈ ચૂક્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં સમુદ્રના નીચેથી પસાર થનારી ટનલના કામનો પણ સમાવેશ થાય છે. આ ટેન્ડર ખોલવાની કાર્યવાહી નવેમ્બર સુધીમાં પુરી થઈ જશે અને આશા છે કે આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં તેનું કામકાજ પણ શરુ થઈ જશે. આ પેકેજમાં વાપી અને વડોદરા વચ્ચેના 237 કિમી લાંબા વાયાડક્ટ, વડોદરા અને અમદાવાદ વચ્ચેના 87 કિમીના માર્ગનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે."

અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ.3000 રહેશે

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં સરસપુર બાજુના 10 ,11 અને 12 રેલવે પ્લેટફોર્મ ખાતે બુલેટ ટ્રેનના મુસાફરો માટે જંક્શન તૈયાર કરાશે. અમદાવાદ-મુંબઈ વચ્ચેના 508 કિમીના આ માર્ગમાં બુલેટ ટ્રેન 12 સ્ટેશને રોકાણ કરશે. આ બુલેટ ટ્રેન એક દિવસમાં સવારે 6 કલાકથી રાતના 12 વાગ્યા સુધીમાં કુલ 70 ફેરા કરશે, જેમાં એક બાજુના 35 ફેરા રહેશે. આ બુલેટ ટ્રેનનું અમદાવાદના સાબરમતીથી શિવાજી ટર્મિનલ સુધીનું ભાડું લગભગ રૂ.3000ની આસપાસ રહેશે. આ ભાડું જે-તે સમયને હવાઈ ભાડા અને રેલવે ભાડા સાથે સરખામણી કરીને નક્કી કરવામાં આવશે. 

જમીન સંપાદન સૌથી કપરો તબક્કો

અચલ ખરેએ જમીન સંપાદન અંગે જણાવ્યું કે, "બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સૌથી કઠીન પ્રશ્ન જમીન સંપાદનનો હતો. બુલેટટ્રેન પ્રોજેક્ટથી ગુજરાતના કુલ 158 ગામમાં જમીન સંપદીત કરવાની હતી. જૈ પૈકી માત્ર 15 ગામના ખેડૂતોએ જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આ પ્રોજેક્ટનો ભારે વિરોધ થયો હતો. આવા કિસ્સામાં 53 ટકા વધારે જંત્રી અને ગામડામાં ચાર ગણા ભાવ આપી જમીન સંપાદિત કરાઈ છે. કુલ  2600 ખેડૂત અને પ્રાઇવેટ માલિક સાથે કરાર કરી અત્યાર સુધીમાં 307 હેક્ટર જમીન સંપાદીત કરી દવાઈ છે. જમીનને લઇને કુલ 55 કોર્ટ કેસ થયા હતા જે પૈકી કેટલાક કેસ પરત ખેચવામાં આવ્યા છે અને કેટલાક ફાઇનલ સ્ટેજ પર છે. મહારાષ્ટ્રના 97 પૈકી 80 ગામમાં જોઇન્ટ મેજરમેન્ટ સર્વે થઇ ચુક્યો છે અને સંપાદનની કાર્યાવાહી ચાલુ છે."

(5:44 pm IST)