Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

શામળાજીને અલગ તાલુકો બનાવવા ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારે કલેક્ટરને કરી રજૂઆત

તાલુકાના કામકાજ માટે લોકોને ૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને ભિલોડા પહોંચવું પડતું હોય ભારે હાલાકી .

સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી ૫૦ કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને લેખિત રજૂઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી હતી.

  આ અંગે ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલભાઈ જોષીયારાએ અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને લેખિતમાં અરજી આપી જણાવ્યું હતું કે ભિલોડા તાલુકો શેડ્યુઅલ વિસ્તારમાં આવતા તમામ તાલુકાઓમાં વસતીની રીતે અને ભૌગોલિક રીતે ખુબ જ મોટો તાલુકો છે. ભિલોડા તાલુકાના અંતરીયાળ ગામોમાંથી તાલુકાના કામકાજ માટે લોકોને ૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને ભિલોડા તાલુકા મથકે પહોંચવું પડે છે. જ્યારે અંતરીયાળ ગામોમાંથી તો બે થી વધુ વાહનો બદલીને ભિલોડા પહોંચવુ પડે તેવી સ્થિતિ છે.

ત્યારે અંતરીયાળ ગામોના લોકોને તાલુકાના કામકાજ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ શામળાજી નેશનલ હાઈવે પર આવેલું છે અને પ્રસિધ્ધ યાત્રાધામ પણ છે જેથી લોકોની અવર જવર શામળાજી ખાતે ખુબ જ રહે છે. શામળાજીના આસપાસના અંતરીયાળ વિસ્તારોના લોકોને પણ ખરીદી માટે શામળાજી આવવું જ પડતું હોય છે. ત્યારે જો શામળાજીને તાલુકો બનાવવામાં આવે તો લોકોને તાલુકાના કામો કરવા માટે ખુબ જ સરળ સવલત થઈ શકે તેમ છે. જેથી શામળાજી તેમજ આસપાસના લોકોના હિતમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે ભિલોડા ધારાસભ્યએ માંગ કરી હતી.

(9:53 pm IST)