Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નેપાળમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકલા પ્રદર્શનમાં દાહોદના ચિત્રકાર કિશોર રાજહંસને બેસ્ટ આર્ટ વર્કનો એવોર્ડ અર્પણ

નવી દિલ્હીઃ  નેપાળમાં આયોજીત આંતરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં દાહોદના ચિત્રકાર કિશોર રાજહંસને બેસ્ટ આર્ટ વર્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

દાહોદ શહેરના એક ચિત્રકારને નેપાળમા યોજાયેલ આંતરરાષ્ટ્રીય "ધ બ્લીસ" ચિત્રકલા પ્રદર્શનમાં ઈન્ડો-નેપાળનો બેસ્ટ આર્ટ વર્ક એવોર્ડ મળતા દાહોદ સહિત ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે

નેપાળના કાઠમંડુમાં રેડ આર્ટ દ્રારા આયોજીત "ધ બ્લીસ" ઈન્ડો-નેપાળ આંતરરાષ્ટ્રિય ચિત્રકલા પ્રદર્શનમાં દાહોદના ચિત્રકાર કિશોર રાજહંશની દાહોદના લોક સંસ્કૃતિને ઉજાગર કરતી આગવી શૈલીમાં કરેલી કલાકૃતિઓ 1. આદિવાસી કપલ 2. રીટર્ન ફ્રોમ ફેર મુકવામાં આવી હતી.

બાળપણથી જ ચિત્રકળા મા રસ દાખવનાર કિશોરભાઈએ ૧૪ વર્ષની ઉંમરથી જ પેન્ટીંગની શરૂઆત કરી હતી અને ૪૦ વર્ષ સુધી શાળામાં કલશિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃતિ પછી પણ સતત તેઓ તેમના કલાક્ષેત્રમાં વ્ય્સત રહયા છે. ૬૦ ઉપરાંત સોલો-ગ્રુપ શો તેમજ આર્ટ કેમ્પમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ સન્માન પ્રાપ્ત કર્યા છે. નિવૃત્તિ પછી વડોદરા કલાનગરીમાં પ્રવૃત્ત થઈ તેમની કલાયાત્રા વધુ વેગવંતિ બનાવી છે. અને તેમની પાસેથી કલાવાંછું વિદ્યાર્થીઓએ કલા શિક્ષણ મેળવી રાજય અને રાષ્ટ્ર કક્ષાએ અનેક સિદ્ધિઓ મેળવી છે.

આ ચિત્રકલા પ્રદર્શનમાં પચાસ જેટલા કલાકારોના એંશી જેટલી પસંદગી પામેલ કૃતિઓ પ્રદર્શિત થઈ હતી, જેમાં ભારતના વિવિધ રાજ્યોના અને નેપાળના કલાકારો સામેલ હતા. તેમાંથી દાહોદના કિશોર રાજહંશની બે કૃતિ ઓ પસંદગી પામી હતી અને સમારંભના અતિથિ નેપાળના ખ્યાતનામ ચિત્રકાર ગહેન્દ્રમાન અમાત્ય ( સિનિયર આર્ટિસ્ટ મિથિલા આર્ટ) અને રાકેશ ખનાલ (આર્ટ ક્રિટીક)ના વરદ્દ હસ્તે કિશોરભાઈ ને "ધ બ્લીસ ઈન્ટર નેશનલ બેસ્ટ આર્ટ વર્ક એવોર્ડ ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમને મળેલ આ સિધ્ધીથી પરિવાર તેમજ દાહોદવાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

કિશોરભાઈ પોતાના ચિત્રની વિશેષતા જણાવતા કહે છે કે, 'આદિવાસી લોક સંસ્કૃતિની વિશિષ્ઠ તેજસ્વી રંગોનું મનનીય સામંજસ્ય, ભાતીગળ પહેરવેશ, કથીરના કલાત્મક ઘરેણાં, છૂંદણાં, ભાવાત્મક આકર્ષક મનોભાવ રજુ કરતી વિશિષ્ટ આંખો અને તેમની આગવી શૈલીમાં નાઈફ વર્ક ટેક્ષચર ટેક્નિકથી તેમના ચિત્રો એક અલગ વિશિષ્ટ છાપ ઉપજાવી આકર્ષણ ઉભું કરે છે.' તેમના મતે જે કલા આંખો થી મન-હૃદય-આત્માને સ્પર્શે તે જ સાચી કલા. તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થયા છે.

(6:24 pm IST)