Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી અગાઉ થયેલ 2.13 કરોડના સોનાનો ભેદ ઉકેલી પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા

અમદાવાદ:અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી એક મહિના પૂર્વે ચાલુ ટ્રેન દરમ્યાન એક પેઢીના સેલ્સમેનની બેગમાંથી રૂ. ૨.૧૩ કરોડની કિંમતના ૬.૯૨૭ કિલો સોનાના દાગીનાની ચોરી થઇ હતી. જે અંગેની ફરિયાદ આણંદ રેલવે સ્ટેશને નોંધાઇ હતી. ચોરીની તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે બેગ ચોરનાર મહારાષ્ટ્રનો શખ્સ હોવાનું ખુલ્યું હતું. ઝડપાયેલા ચોરને મુંબઈથી રેલવે એલ.સી.બી. પોલીસ વડોદરા ખાતે લાવી છે. જ્યાં તેના ૧૦ દિવસના રીમાન્ડ મેળવી ચોરીની કડીઓ મેળવવા સઘન પૂછપરછ હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ ગત ૧૩મી જુલાઈના રોજ અમદાવાદથી બચુભાઈ ઝવેરી પેઢીના બે સેલ્સમેનો અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનના રીઝર્વેશન કોચમાં બેઠા હતા. તેઓની પાસે રૂ. ૨.૧૩ કરોડની કિંમતના ૬.૯૨૭ કિલો સોનાના દાગીના હતા. જે તેઓ રાયપુર, દુર્ગ અને ભીલાઈમાં હોલસેલમાં વેચવા ગયા હતા.બન્ને સેલ્સમેનો ૧૧ મી જુલાઈએ પોતાનો માલ ન વેચાતા રાયપુરથી અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનના રીઝર્વેશન કોચમાં પરત અમદાવાદ આવવા નીકળ્યા હતા. 
જુલાઇની રાત્રિએ તેઓ પોતાની બેગો અને કિંમતી સામાન સાંકળથી બાંધીને ટ્રેનમાં સૂઇ ગયા હતા. વહેલી સવારે ટ્રેન આણંદ રેલવે સ્ટેશન આવતા તેઓ જાગી ગયા હતા. પણ તેઓની કિમતી સામાન સાથેની બેગો ન જોતા હાંફળાફાંફળા થઇને કોચમાં તપાસ કરી હતી. પરંતુ બેગો ચોરાઈ જવા પામી હોવાનું જણાતા તેઓએ તાત્કાલિક આણંદ રેલવે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે દરેક પાસા ઉપર વિચાર કરી આ સંદર્ભે ૨૬મીએ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો અને વડોદરા એલ.સી.બી. પોલીસને તપાસ સોંપી હતી.

(5:10 pm IST)