Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સીપી અનુપમસિંહ ગેહલોત-પીએસઆઈ કિરીટ લાઠીયા વિગેરેની ટીમમાં ડીસીપી દિપકકુમાર મેઘાણી સામેલ થતા જંગ જામ્યો : અસામાજિક તત્વો સામેનો જંગ જોરદાર બનાવવા પોલીસે નવી લાઠીઓ પણ ખરીદી

રાજકોટ, તા. ૧૩ :. વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ વડોદરામાં જે બાબત અશકય હોવાનું અનુભવી પોલીસ અધિકારીઓ છાતી ઠોકીને કહેતા હતા તેવી રાજકોટ પેટર્ન (કાઠીયાવાડી સ્ટાઈલ) મુજબ લુખ્ખાઓને કાયદાના પાઠ આગવી ઢબે ભણાવી તેના સરઘસો તેના વર્ચસ્વવાળા વિસ્તારમાં કઢાવી લોકોને પગે લગાડી લોકોમાંથી ભય દૂર કરવાનું કાર્ય પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને ટૂંકાગાળામાં કરવામાં સફળતા સાંપડી છે અને લોકો પણ હવે પોલીસ તો આવી જ હોય તેવુ માનવા લાગ્યા છે.

રાજકોટમાં પોલીસ કમિશ્નર તરીકે જે તે સમયે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ રાજકોટના અને સૌરાષ્ટ્રના નામીચા ગુન્હેગારો કે પોલીસ જેના નામ માત્રથી આઘા ભાગતા તેવા લોકોના ઘેર પહોંચી માયા સંકેલી લેવા ચેતવણી આપી આ ચેતવણીનો ભંગ કરનાર સામે કાઠીયાવાડની ધરતીની વિરપૂજક સ્ટાઈલમાં પોલીસ કમિશ્નર ઓફિસના લીંમડાના ઝાડનો સ્વાદ ચખાડવામાં પણ આવ્યો. એ સમયે શરૂઆતમાં અનુપમસિંહ ગેહલોત સાથે ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીએસઆઈ કિરીટ લાઠીયા પણ તેઓની સાથે અડીખમ ઉભા રહ્યા. યોગાનુયોગ બરોડામાં પણ આ ટીમ ફરી સાથે થઈ ગઈ છે.

બરોડામાં નશીલા પદાર્થનો વેપાર ગેરકાયદે શરાબની ભઠ્ઠીઓ, એક બે નહિં ૧૦૦થી વધુ બનાવટી પાસપોર્ટ ધરાવતા તત્વો, કોમી એખલાસ ડહોળવા માટે જાણીતા શખ્સો વગેરે સામે પગલા લેતા અગાઉ અનુપમસિંહ ગેહલોતે સૌ પ્રથમ તો પોતાની પોલીસ સેનાને લડવા માટે હિંમત પ્રેરી લાઠી (ધોકા) વિનાની પોલીસ હોઈ જ ન શકે તેવુ સમજાવી તાત્કાલીક નવી લાઠીઓના ઓર્ડર આપ્યા અને આમ અસામાજિક તત્વો સામે જંગ શરૂ થયો. જેમાં વડોદરાની પ્રજાનો પણ બહોળો સહકાર સાંપડવા લાગ્યો. અધુરામાં પુરૂ આ ટીમના સહયોગમાં સુરેન્દ્રનગરથી વડોદરા ડીસીપી તરીકે મુકાયેલા કાર્યદક્ષ આઈપીએસ અધિકારી દિપકકુમાર મેઘાણી પણ ટીમમાં ભળતા જ પોલીસ સેનાનું બળ વધી ગયુ છે.

વડોદરામાં દિવસ અને રાત ખાસ કરીને રાત્રીના સમયે પૈસાના મદમાં અને અન્ય રીતે વગ ધરાવતા કેટલાક યુવાનો ધૂમ સ્ટાઈલથી મોડી રાત્રે નશો કરીને લોકોને જાણે બાન પકડવા હોય તે રીતે ચિચિયારીઓ સાથે નીકળતા હતા તેઓને પણ પીએસઆઈ કિરીટ લાઠીયાએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી દિપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ પાઠ ભણાવવા શરૂ કરતા લોકો પણ આ કામગીરી વખાણી રહ્યા છે.

(3:36 pm IST)