Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બાઇકચાલક યુવકનું ડિવાઇડર સાથે અથડાતાં કરૂણ મોત થયું

ખોખરા-હાટકેશ્વર રોડ પર બનેલો બનાવ : બાઇક પાછળ બેઠેલી યુવતી ગંભીરરીતે ઘાયલ : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ : સ્થાનિક લોકોમાં સનસનાટી

અમદાવાદ,તા.૧૨ : શહેરના ખોખરા-હાટકેશ્વર રોડ પર શનિદેવના મંદિર નજીક આજે પૂરપાટ ઝડપે બાઇક પર યુવતીને બેસાડીને જઇ રહેલા યુવકે પોતાની બાઇક પરનો કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાયો હતો અને ખાસ્સે સુધી રોડ પર ઘસડાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. તો, પાછળ બેઠેલી યુવતી પણ અચાકન સર્જાયેલા અકસ્માતને લઇ જમીન પર ખાસ્સી એવી ઘસડાઇ હતી અને ગંભીર ઇજાનો ભોગ બની હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને રોડ પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. જો કે, બાઇકચાલક યુવકના મોત અને યુવતીને ગંભીર ઇજાના સમાચાર સાંભળી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.  બનાવની જાણ થતાં આઇ ડિવીઝન ટ્રાફિક વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ખોખરા-હાટકેશ્વર રોડ પર સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતમાં અકાળે કાળનો કોળિયો બનેલા બાઇકચાલક યુવકનું નામ શમીમ નજરહુસૈન શેખ હોવાનું સામે આવ્યું છે અને તે શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો. આજે સવારે બાઇચાલક યુવક પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક લઇને પાછળ કોઇ યુવતીને બેસાડીને પૂરપાટઝડપે જઇ રહ્યો હતો ત્યારે ખોખરા-હાટકેશ્વર રોડ પર કોઇક કારણસર અચાનક બાઇક પરનો કાબૂ ગુમાવતાં  તેનું બાઇક જોરદાર રીતે ડિવાઇડર સાથે અથડાયું હતું. બાઇક ડિવાઇડર સાથે અથડાતાંની સાથે જ યુવક અને યુવતી બાઇક પરથી ફંગોળાયા હતા અને જમીન પર ખાસ્સે સુધી ઘસડાયા હતા. સાથે સાથે બાઇક પણ ફુલસ્પીડમાં હોવાથી ઘસડાઇને આગળ પાર્ક કરેલી અન્ય બાઇકો સાથે જઇ ટકરાઇ અટકી ગયુ હતું. બીજીબાજુ, ડિવાઇડર સાથે અથડાઇ પડવાના કારણે બાઇકચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું. તો, યુવતીને પણ ખૂબ ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. અક્સ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને બાઇકચાલક યુવકના મોતના સમાચારને લઇ ભારે અરેરાટીની લાગણી જન્માવતા નજરે પડતા હતા. તો, લોકોના ઉમટેલા ટોળા અને અકસ્માતને લઇ આ રોડ પરનો ટ્રાફિક થોડીવાર માટે ચક્કાજામ થયો હતો. ઘટનાની જાણ થતાં આઇ ડિવીઝન ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી. બાઇકચાલક યુવક દાણીલીમડાનું હોવાનું સામે આવતાં પોલીસે તેના પરિવારજનોને પણ જાણ કરી આગળની તપાસ આરંભી છે.

(9:27 pm IST)