Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાના અંતે મેડિકલ- ડેન્ટલની સીટો ખાલી: વધુ એક ઓનલાઇન રાઉન્ડ યોજવા નિર્ણંય

મેડિકલમાં 425 અને ડેન્ટલમાં 65 જેટલી બેઠકો ખાલી પડી

અમદાવાદઃ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં ચાલતી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાના અંતે મેડિકલમાં 425 અને ડેન્ટલમાં 65 જેટલી બેઠકો ખાલી પડી હતી. નિયમ મુજબ ખાલી પડેલી બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરાતો હોય છે. પરંતુ આ વખતે ઓફલાઇન કરતાં પહેલાં વધુ એક વખત ઓનલાઇન રાઉન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી વિદ્યાર્થીઓને આગામી તા. 15મી જુલાઇ સુધી ચોઇસ ફીલીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જયારે ડેન્ટલમાં ઘટાડેલી લાયકાત સાથે જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમને પણ આ જ ઓનલાઇન રાઉન્ડમાં સામેલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

           પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે છેલ્લાં કેટલાંય સમયથી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હતી. બે દિવસ પહેલાં જ બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ કરેલી ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરાઇ હતી. આ કાર્યવાહી પછી પી.જી. ડેન્ટલમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાતમાં ઘટાડો કરાયો હતો. આ નવી લાયકાત મુજબ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાની સૂચના આપી હતી. તેના પરની કાર્યવાહી પણ આજે પૂર્ણ કરી દેવાઇ છે. જેમા અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓએ ફરીવાર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

          પ્રવેશ સમિતિના સભ્યોએ જણાવ્યું છે કે હાલની સ્થિતિમાં ઓફલાઇન રાઉન્ડમાં વિધાર્થીઓ અમદાવાદ કે ગાંધીનગર બોલાવવા યોગ્ય ન હોવાથી મોપ-અપ રાઉન્ડ કરતાં પહેલા વધુ એક વખત ઓનલાઇન રાઉન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ રાઉન્ડ મેડિકલ અને ડેન્ટલ બન્ને માટે કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને તા.13મીથી તા.15મીએ બપોરે 12 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. તા.15મીએ સાંજે 4 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાની ભરેલી ચોઇસ જોઇ શકશે. તા.16મીએ સવારે 9-30 કલાકે વિદ્યાર્થીઓની ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરવામાં આવશે. તા.16મી અને તા.17મીએ વિદ્યાર્થીઓએ નિયત બેંકમાં ફી ભરવાની રહેશે અને તા.16મીથી તા.18મી સુધીમાં હેલ્પસેન્ટર પર જઇને રીપોર્ટીંગ કરવાનું રહેશે. આ રાઉન્ડ બાદ જો બેઠકો ખાલી પડશે તો તેના માટે નિયમ પ્રમાણે ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવશે.

(10:49 pm IST)