Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજપીપળા શહેર માં વારંવાર વીજ પુરવઠો બંધ થતો હોવાથી કંટાળેલા જાગૃત નાગરીકોએ આપ્યું આવેદન

નર્મદા કલેક્ટર અને ડિજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને વારંવાર લાઈટો જતી હોય યોગ્ય કરવા રજુઆત કરી

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં વર્ષો થી ચોમાસામાં વીજળી વારંવાર બંધ થતી હોય અનેક ટેલિફોનિક રજુઆત,હલ્લાબોલ બાદ પણ તેમાં કોઈ જ સુધારો ન થતા આખરે કંટાળેલા રાજપીપળાના જાગૃત નાગરિકો પૈકી વીજયભાઈ રામી,ડો.કમલભાઈ ચૌહાણ,દત્તાબેન ગાંધી,મહેશભાઈ ઋષિ સહિત નાઓએ આજે નર્મદા કલેક્ટર અને વીજ કંપની ના કાર્યપાલક ઈજનેર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

  આવેદનમાં જણાવ્યું હતું કે કલેકટર સાહેબ આપને ત્યાં જનરેટર/ઈનવરટર હશે.અમારા જેવાં લોકોને ત્યાં આવા ઉપકરણો નથી પરંતુ આમ જનતાને વીજ પુરવઠો ન હોય ત્યારે શુ તકલીફ નો સામનો કરવો પડે છે એ તમને અમારા લોકોની પરિસ્થિતિ નો ખ્યાલ ન આવે પણ આપની જાણ સારૂ કે આપણા નર્મદા જિલ્લામાં અન્ય જીલ્લાની સરખામણી હજુ માં ૧૫% જ વરસાદ પડયો છે.જ્યારે ઘણાં જીલ્લા ઓમાં ૭૦%, ૮૦% અને ૧૧૫% વરસાદ પડી ગયો છે.છતાં આપણાં જીલ્લા ના વડા મથક રાજપીપળા માં વીજળી ની રામાયણ રોજિંદી થઇ છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. રાજપીપળામાં જ્યારે થોડાક છાંટા પડે કે વરસાદ શરૂ થાય કે તરત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. અગાઉ પ્રિ.મોનસુન માં ઘણીવાર લાઈટો બંધ થઈ છે. સમજી શકાય વરસાદ પહેલાની તૈયારી કરતા હશે.પરંતુ વરસાદ ની શરૂઆત થાય કે તુરત વીજ પુરવઠો બંધ થાય એ અમે વરસાદ શરૂ થાય છે ત્યારથી અનુભવતા આવ્યા છીએ તો શું આપે આ બાબતે અત્યાર સુધી કોઈ પગલાં લીધા..કેમ ?વીજ કંપની નો કસ્ટમર કેર નંબર પણ જ્યારે વરસાદ પડે ત્યારે બંધ થઈ જાય છે.એ બાબત સૌ જાણે છે પરંતુ હવે આ જીલ્લા ની પ્રજા જાગૃત થઈ છે એ ક્યાં સુધી સહન કરશે..? માટે વીજ કંપની ની આ લાલીયાવાડી બાબતે ટકોર કરી તેમાં યોગ્ય સુધારો આવે તે દિશા માં પગલાં લેવા રજુઆત કરવામાં આવી હતી.

 કલેક્ટર મનોજ કોઠારી એ આ રજુઆત બાદ તુરત વીજ કંપનીના અધિકારી ને બોલાવી ઉધડો લીધો અને કેટલા દિવસ માં આ સમસ્યા નું સમાધાન કરશો તેવો ખુલાસો માંગતા વીજ કંપની ના અધિકારી એ કલેક્ટર ને 3 દિવસ નો સમય આપતા રજુઆત કરવા ગયેલા નાગરીકો એ રાહત અનુભવી હતી.હવે જોવું એ રહ્યું કે આ તકલીફ નો અંત ક્યારે આવશે.

(6:26 pm IST)