Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કલોલમાં ગાયને રોટલી ખવડાવવા જવું મહિલાને ભારે પડ્યું:બાઈક પર આવેલ સ્નેચરો ગળામાંથી 25હજારનો ચેઇન તફડાવી છૂમંતર....

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ચેઈન સ્નેચીંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલના પંચવટીમાં ઘર પાસે ગાયને રોટલી ખવડાવા ગયેલી વૃધ્ધાના ગળામાંથી બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો રપ હજારનો સોનાનો દોરો તોડીને નાસી છુટયા હતા. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવા પામ્યો છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે બોરીસણા પંચવટીમાં આવેલી ચિત્રકુટ વિભાગ-ર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય વૃધ્ધા પન્નાબેન જતીનભાઈ ભટ્ટ થોડા સમય અગાઉ તેમની સોસાયટીના મુખ્ય દરવાજા બહાર રોટલી લઈને ગયા હતા અને ગાયને ખવડાવી રહયા હતા તે દરમ્યાન બાઈક ઉપર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને તેમના ગળામાં રહેલો સોનાનો દોરો તોડી લીધો હતો. બુમાબુમ થતાં આ શખ્સો નાસી છુટયા હતા અને હાથ આવ્યા નહોતા. જો કે આ સમયે વૃધ્ધાએ પોલીસ ફરિયાદ કરી નહોતી અને ગઈકાલે કલોલ તાલુકા પોલીસ મથકમાં રપ હજારનો સોનાનો દોરો તુટયા અંગે ફરિયાદ નોંધાવી છે.  

(5:57 pm IST)