Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત મળશે: વિશ્વના પડકારોને પહોચી વળવા શિક્ષણ પૂર્વશરત છે: ઊંચ-નીચ, જ્ઞાતિ-જાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભુલી સૌ એક થઇ-સામાજિક સમરસતા સાથે સૌના સાથ સૌના વિકાસને સાકાર કરીએ : શ્રી વિજયભાઇ રૂપાણી : મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩ આદર્શ નિવાસી કન્યા શાળા-પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન

 રાજકોટ ::મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સામાજીક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત હરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોચી વળવા સજ્જ બનાવવાની નેમ વ્યકત કરી છે. 

મુખ્યમંત્રીશ્રીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ૬૧.૭પ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૩ આદર્શ નિવાસી કન્યા શાળાઓ અને પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયોના ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી E લોકાર્પણ કર્યા હતા. 

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર પણ આ લોકાર્પણમાં જોડાયા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસની પ્રતિબદ્ધતા ઊંચ-નીચ, આગળ-પાછળ, જાતિ-જ્ઞાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભૂલી સૌ એક થઇને ‘‘સબ સમાજકો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’’ના ભાવ સાથે આ સરકાર સાકાર કરી રહી છે. 

તેમણે કહ્યું કે, ગુજરાતમાં સામાજિક સમરસતાનું આ સદભાવપૂર્ણ વાતાવરણ ડહોળાય, સંતુલન તૂટે એવા ગુજરાત વિરોધીઓના કારસાને પ્રજાવર્ગોએ નિષ્ફળતા આપી છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો-સંગઠિત બનોનો જે કોલ આપેલો તેને ચરિતાર્થ કરવા અને પછાતવર્ગોને વિકસિતોની હરોળમાં લાવવા રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ સવલતો, છાત્રાલયો, સમરસ હોસ્ટેલ્સ શરૂ કર્યા છે તેવો મત વ્યકત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ આ છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓમાં સ્વચ્છતા જળવાય, સારૂં પૌષ્ટિક ભોજન મળે સાથોસાથ કવોલિટી એજ્યુકેશન આપી આ વિદ્યાર્થીઓને પણ વિશ્વની ચેલેન્જીસ સ્વીકારવા સક્ષમ બનાવવાના આયામોની ભૂમિકા આપી હતી. 

તેમણે કોરોના સંક્રમણના આ કપરાકાળમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ફૂડ બિલમાં વધુ સહાય, વિનામૂલ્યે આવાસ વગેરે પેકેજ આપ્યા છે તેમ પણ ઉમેર્યુ હતું. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સામેનો જંગ પ્રજાના સાથ સહકારથી જીતવા માટેની પ્રતિબદ્ધતા દોહરાવતાં કહ્યું કે, રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાંઓથી રિકવરી રેઇટ ૭૦ ટકા જેટલો થયો છે અને મૃત્યુદર પણ ૪.૭ ટકા થઇ ગયો છે તેને વધુ નીચે લઇ જવો છે. 

મુખ્યમંત્રીશ્રીએ આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરીને દીકરીઓ પણ ઉજ્જવળ કારકીર્દી અવસરો મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી. 

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે રાજ્યમાં પછાતવર્ગો, વિકસતી જાતિઓ, અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ, વિદ્યાર્થીઓ, દિકરીઓ માટે ઉચ્ચ અભ્યાસની સગવડ, વિદેશ અભ્યાસ સહાય અને પાયલોટ જેવા વ્યવસાય માટે પણ સહાય-પ્રેરણા મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમથી મળી રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો. 

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લામાં, આણંદના બાકરોલમાં તથા નવસારીના જલાલપોરમાં આદર્શ નિવાસી કન્યા શાળાના અને ગાંધીનગર, બાકરોલ તેમજ ભાવનગરના મહુવામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના લોકાર્પણ કર્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, સામાજિક ન્યાય અધિકારિતા અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક શ્રી નિનામા ગાંધીનગરથી તેમજ સાંસદો, ધારાસભ્યો અને વિદ્યાર્થીઓ જિલ્લામથકોએથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા. 

 

(4:11 pm IST)
  • અમરેલી પંથકમાં કોરોનાએ વધુ ૩ના જીવ લીધા છે : જયારે આજે સાંજ સુધીમાં ૨૯ નવા કેસો નોંધાયા છે access_time 7:00 pm IST

  • અમિતાભ-અભિષેકને સારૃં છે : એગ્રેસીવ ટ્રીટમેન્ટની જરૂર નથીઃ નાણાવટી હોસ્પિટલના વર્તુળો કહે છે access_time 3:40 pm IST

  • વડતાલ ટેમ્પલ કમિટિના ચેરમેનને કોરોના પોઝીટીવ : ખેડાઃ વડતાલ સ્વામીનારાયણ ટેમ્પલ કમિટીના ચેરમેનને કોરોના આવ્યો છેઃ દેવ સ્વામીને સારવાર અર્થે સુરતમાં ખસેડયા access_time 5:05 pm IST