Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મનિષ દોશીની સટાસટીઃ ગુજરાતમાં બે કાયદા

અમદાવાદઃ સુરતમાં આરોગ્યમંત્રી શ્રી કુમાર કાનાણીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. જેમના પર મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ દ્યટનામાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી કુમાર કાણાંનીના પુત્ર પ્રકાશ કાણાંનીએ દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો છે.  પ્રકાશ અને બે મિત્રોની ધરપકડ પણ થઇ ચુકી છે. ત્યારે આ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસે સરકારને આડે હાથ લેવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતા મનિષ દોશીએ આ ઘટનાને ગંભીરતાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

કોંગ્રેસના નેતા મનિષ દોશીએ રાજયના આરોગ્યમંત્રીના પુત્રની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથેની ગેરવર્તણૂંક અંગે રાજય સરકાર પર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા પોલીસસ સાથે ગેરવર્તણૂંક કરી છે ત્યારે મંત્રીના પુત્રએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં બે કાયદા છે. એક કાયદો સરકારના મંત્રી અને સંત્રીને લાગુ પડતો નથી. જયારે બીજો કાયદો રાજયની સામાન્ય જનતા પર થોપી બેસાડે છે.

મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, રાજયમાં આવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે સુરતમાં મંત્રીના પુત્રએ કરેલ ગેરવર્તણૂંક એવી છે કે તેને ચલાવી લેવાય તેમ નથી. તેમને સરકાર સામે સવાલ કર્યો હતો કે, શું સરકાર પોતાના મંત્રીના પુત્ર સામે કોઈ પગલાં લેશે કે કેમ?

વરાછામાં કરફ્યૂ દરમિયાન કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની ભલામણ માટે આવેલા આરોગ્યમંત્રીના પુત્ર સાથે માથાકૂટ થતાં હેડકવાર્ટરની મહિલા કોન્સ્ટેબલ તાડુકી ઉઠી હતી. મહિલા કોન્સ્ટેબલે તારા બાપની નોકર છું, તેમ કહી આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેકટરને ફરિયાદ કરતાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો હતો.

સુનિતા યાદવ નામની આ લેડી કોન્સ્ટેબલ વરાછા માનગઢ ચોક નજીક ગતરાત્રે પોઈન્ટ ઉપર હતી. રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા. જેમની સાથે આ કોન્સ્ટેબલની માથાકૂટ થઈ હતી. ચારેયના ફોનથી આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર ત્યાં આવી ચઢ્યો હતો. બન્ને વચ્ચે બોલાચાલી દરમિયાન આરોગ્યમંત્રીના પુત્રએ ૩૬૫ દિવસ કરાવીશ તેવો દમ માર્યાના આક્ષેપ વચ્ચે આ કોન્સ્ટેબલ તેનો ઉધડો લઈ નાંખ્યો હતો. તારા બાપની નોકર છું! તમારા ગુલામ છે અમે લોકો તેમ કહી શાન ઠેકાણે લાવી દીધી હતી.

પોલીસ સાથે ગેરવર્તન કરાયાના આક્ષેપ સાથે આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેકટરને ફોન કરી ફરિયાદ કરતાં આ કોન્સ્ટેબલને જ પોઈન્ટ ઉપરથી હઠી જવાની સૂચના આપતો ઓડિયો વાઈરલ થયો હતો. જો કે આ વાઈરલ ઓડિયો અને દ્યટનાને હકીકત જાણવા વરાછા પોલીસ ઈન્સ્પેકટર બી.એન.સગરનો સંપર્ક કરતાં થઈ શકયો ન હતો.

(11:55 am IST)