Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગુજરાતી પત્રકારત્વમાં નગીનદાસ સંઘવી પોતે જ એક સંસ્થા હતા

જેમની કલમ ૧૦૦ વર્ષે પણ તેજાબી-તડ અને ફડ રહી એવા 'પદ્મશ્રી' નગીનદાસ સંઘવીનું નિધન

ગયા વર્ષે 'નગીનદાસ શતાયુ સમ્માન સમારોહ'માં સુપ્રસિદ્ઘ રામકથાકાર પૂજય મોરારીબાપુ દ્વારા નગીનદાસનું સમ્માન કરવામાં આવ્યું હતું

મુંબઇ, તા.૧૩: નગીનદાસ સંઘવી, એક એવું નામ જે ગુજરાતી ભાષામાં થતા રાજકીય લખાણોની તલવાર સમું રહ્યું તે હવે આકાશમાં ઝળકી રહ્યું છે. માત્ર ગુજરાતનાં જ નહીં પણ રાષ્ટ્રનું જાણીતું નામ તેવા નગીનદાસ સંઘવીનું આજે સુરત ખાતે નિધન થયું છે. છેલ્લા ચાર દિવસથી તેમને ખાંસીની સમસ્યા હતી. તેઓ ૧૦૧ વર્ષનાં હતા અને તેમના વિષે તો રવિશ કુમારે પણ લખ્યું હતું. નગીનદાસ સંઘવી જેટલા પડછંદ કદમાં હતા તેટલા હૃદય અને જ્ઞાનમાં પણ ઉંચા હતા. તેમને નગીન બાપાના હુલામણા નામથી લોકો સંબોધતા અને ચિત્રલેખા, ગુજરાત મિત્ર, દિવ્યભાસ્કર જેવા પ્રકાશનોમાં તે નિયમિત પણ લખતા. ૧૯૨૦માં ૧૦મી માર્ચે ભાવનગરમાં જન્મેલા નગીનદાસ સંઘવીનું ભણતર પણ ત્યાં જ થયું અને તેમણે પોલિટીકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો અને મુંબઇની મીઠીબાઇ કોલેજમાં પોલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ રાજકીય સમીક્ષાને મામલે જે સ્પષ્ટતાથી વાત કરી શકતા તેટલી સ્પષ્ટતા આજકાલનાં કટાર લેખકોમાં ભાગ્યે જ જોવા મળે છે. ૧૯૬૨થી તેમણે કટાર લેખન શરૂ કર્યું અને આ હજી ગયા સપ્તાહ સુધી પણ ચાલુ હતું. તેમણે મોરારી બાપુ સાથે સંકળાઇને પણ કામ કર્યું તથા ગીતા, રાજકારણ, નરેન્દ્રભાઇ મોદી સહિત સંકુલ વિષયો પર પુસ્તકો લખ્યાં છે જે વાચકોમાં ખુબ જ પ્રચલિત છે. ગુજરાતી પત્રકારત્વમાં નગીનદાસ સંઘવી પોતે જ એક સંસ્થા હતા, તેમના જવાથી ખાલી પડેલી જગ્યાઓ પુરવી મુશ્કેલ નહીં પણ અશકય છે તેમ કહેવામાં કોઇ પણ અતિશયોકિત નથી.

નગીનદાસ સંઘવીના નિધનનું દુઃખ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ થયું છે. આ બાબતે તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને શોક વ્યકત કર્યો હતો.

ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ઘહસ્ત કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા 'પદ્મશ્રી' નગીનદાસ નગીનદાસ સંઘવીનું આજે બપોરે અત્રે દુઃખદ અવસાન થયું છે. એ ૧૦૦ વર્ષના હતા.

'નગીનબાપા' તરીકે જાણીતા નગીનદાસ સંદ્યવીનો 'ચિત્રલેખા' સાથે બે દાયકાથી વધારે જૂનો સંબંધ રહ્યો છે. રાજકીય બનાવ, મહત્ત્વની ઘટનાનું પારદર્શક, ઊંડું અને તટસ્થ પૃથક્કરણ કરતી 'ચિત્રલેખા' મેગેઝિનમાં એમની 'ભારતનું મહાભારત' કટાર લોકપ્રિય બની છે.

નગીનદાસ સંઘવીની તબિયત સારી હતી, પણ અચાનક શ્વાસની તકલીફ ઊભી થઈ હતી. આજે સવારે લગભગ ૮.૩૦ વાગ્યે એમણે 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણી સાથે ફોન પર 'ચિત્રલેખા'ના આગામી અંક વિશે વાતચીત પણ કરી હતી. પોતે સાંજે પાંચ વાગ્યે ફરી ફોન કરશે એવું પણ તેમણે ઘેલાણીને કહ્યું હતું.

નગીનદાસ સંઘવીનો જન્મ ૧૯૨૦ની ૧૦ માર્ચે ભાવનગરમાં થયો હતો. આમ તે બરાબર ૧૦૦ વર્ષના હતા. એમનું ભણતર ભાવનગરમાં જ થયું હતું. એ પોલિટીકલ સાયન્સ વિષયમાં નિષ્ણાત હતા. ત્યારબાદ એ મુંબઈ આવ્યા હતા અને સૌથી પહેલા કોઈક સરકારી નોકરી કરી હતી. ૧૯૫૧ની સાલમાં તેઓ અંધેરીમાં ભવન્સ કોલેજમાં પોલિટીકલ સાયન્સના પ્રોફેસર તરીકે જોડાયા હતા. ત્યાંથી રૂપારેલ કોલેજ અને બાદમાં મીઠીબાઈ કોલેજમાં જોડાયા હતા.

મીઠીબાઈ કોલેજમાં પોલિટીકલ સાયન્સ વિભાગના વડા તરીકે જ તેઓ નિવૃત્ત્। થયા હતા.

૧૯૬૨ની સાલથી નગીનદાસભાઈએ કટારલેખન શરૂ કર્યું હતું.

નગીનદાસ સંઘવીએ અનેક પુસ્તકો પણ લખ્યા છે. ગુજરાતના રાજકારણ વિશે એમણે પુસ્તકો લખ્યા છે તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્રભાઇ મોદી વિશેના એમના પુસ્તકો પણ વાચકોમાં જાણીતા થયા છે.

સપ્ટેંબર, ૨૦૧૬માં 'ચિત્રલેખા'એ નગીનદાસ સંઘવીને 'વજુ કોટક સુવર્ણ ચંદ્રક' અર્પણ કર્યો હતો.(૨૩.૬)

(11:25 am IST)