Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

દક્ષિણ ગુજરાત તરબોળઃ વધઈ ૯, ગણદેવી-ચીખલી ૮ ઈંચ

ગુજરાતના ૧૫૭ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ થી ૯ ઈંચ ભારે વરસાદ : વલસાડ અને નવસારી ૬ ઈંચઃ અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાઃ ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ : ઓરંગા નદી ભયજનક સપાટીએ... ડાંગમાં ૧૦ કોઝવે ડૂબ્યા... ૨૫ ગામો સંપર્ક વિહોણા

વાપી, તા. ૧૩ :. ચોમાસાની આ સિઝનમાં મેઘરાજા જાણે સટાસટી બોલાવી રહ્યા હોય તેમ પૂર્વ - મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યો છે. જો કે હજુ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છ પંથકમા મેઘરાજા જાણે હાથતાળી આપી રહ્યા છે.

દ. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને પગલે વલસાડ, બિલીમોરા, નવસારી તથા ડાંગ સહિતના પંથકમાં અનેક જગ્યાએ પાણી ફરી વળતા ભારે હાલાકી ઉભી થવા પામી છે.

અનેક જગ્યાએ ફરી વળેલ પાણીને પગલે ઘરોની ઘરવખરી તથા કિંમતી ચીજવસ્તુઓને નુકશાન થવા પામ્યુ છે. તેમજ સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. ડાંગ પંથકમાં તો ૧૦ જેટલા કોઝવે ડુબી જતા નજીકના ૨૦થી ૨૫ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે તો સુરત પંથકમાં ઉકાઈ ડેમની જળસપાટી જાણે વગર વરસાદે વધી રહી છે.

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા એની સીધી અસર ઉકાઈ ડેમને થઈ રહી છે. આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધીને ૨૮૮.૧૫ ફુટે પહોંચી છે. ડેમમા ૨૨,૯૬૫ કયુસેક પાણી ઈન્ફલો થઈ રહ્યુ છે.

જ્યારે સુરતના કોઝવેની જળસપાટી વધીને ૬.૬૬ મીટરે પહોંચતા તંત્રએ તેને બંધ કરવાની ફરજ પડી છે. મીઠી ખાડીની જળ સપાટી પણ ભયજનક લેવલે પહોંચી છે. આમ હજુ જાણે સિઝનનો પ્રારંભ જ થયો છે. ત્યાં જ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને પગલે આ કપરી સ્થિતિ સર્જાતા ફફડાટ ફેલાયો છે.

અને હજુ પણ આ સ્થિતિમાં હવામાન ખાતાની આગાહી ૭૨ કલાકમા ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સાબદુ બન્યુ છે. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામા સૌ પ્રથમ દ. ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૮૯ મી.મી., ભરૂચ ૧૧૧ મી.મી., હાંસોટ ૩૪ મી.મી., ઝઘડિયા ૫૪ મી.મી., નેત્રંગ ૩૯ મી.મી., વાઘરા ૧૪ મી.મી. અને વાલિયા ૩૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૩૮ મી.મી., ગરૂડેશ્વર ૬૭ મી.મી. નાદોદ ૪૪ મી.મી. અને તિલકવાડા ૭૫ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૫૨ મી.મી., ઉચ્છલ ૨૮ મી.મી., વાલોળ ૮૦ મી.મી., વ્યારા ૬૫ મી.મી. અને ડોલવણ ૧૫૬ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

જ્યારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૯૧ મી.મી., ચોર્યાસી ૧૪૨ મી.મી., કામરેજ ૧૧૪ મી.મી, મહુવા ૮૬ મી.મી., માંડવી ૫૮ મી.મી., ઓલપાડ ૨૮ મી.મી., પલસાણા ૯૪ મી.મી., ઉમરપાડા ૧૫ મી.મી. અને સુરત સીટી ૧૩૬ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૮૩ મી.મી., ગણદેવી ૧૮૮ મી.મી., જલાલપોર અને ખરેગામ ૧૫૯ મી.મી., નવસારી ૧૫૮ મી.મી. અને વાંસદા ૧૬૪ મી.મી. તો ડાંગ જિલ્લામાં આહવા ૧૧૬ મી.મી., સુખીર ૫૫ મી.મી. અને વધઈ ૨૧૨ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૪૯ મી.મી., કપરાડા ૮૩ મી.મી., પારડી ૯૫ મી.મી., વલસાડ ૧૨૨ મી.મી. અને વાપી ૩૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં ધંધુકા ૧૫ મી.મી. અને ઢોલેરા ૧૯ મી.મી. તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં માતર ૬૩ મી.મી. અને ખેડા ૩૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે. આણંદ જીલ્લાના તાલુકાઓમાં આંકલાવ ૨૯ મી.મી., ખંભાત ૩૧ મી.મી. અને પેટલાદ ૨૧ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઈ ૫૫ મી.મી., કરજણ અને પાદરા ૪૦ - ૪૦ મી.મી. વડોદરા ૨૮ મી.મી. અને વાઘોડિયા ૨૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં છોટા ઉદેપુર ૧૬ મી.મી., નસવાડી ૫૧ મી.મી., કવાટ ૧૩ મી.મી. અને સંખેડા ૩૨ મી.મી. તો મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં ખાનપુર ૧૨ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ લખાઈ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. (૨-૯)

(3:57 pm IST)
  • જેતપુરમાં અનરાધાર વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા ટ્રોમા સેન્ટર અમે આઇસીયુ વિભંગમાં પાણી ઘુસી જતા કર્મચારીઓમાં પાણીના નિકાલ માટે કાર્યવાહી access_time 12:00 am IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST