Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

બ્રાન્ચ મેનેજર રૂપિયા ૨.૩૨ કરોડનું સોનું ચોરી રફુચક્કર

કોસામટ્ટમ ફાયનાન્સના મેનેજરે ફુલેકું ફેરવ્યું: કંપનીમાં રહેલા રોકડા કુલ ૨.૮૩ લાખ પણ લઈને ભાગી ગયો : કંપનીમાં સોનુ મૂકનાર રહીશોમાં મચેલી દોડધામ

અમદાવાદ,તા.૧૩: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કોસામટ્ટમ ફાયનાન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર જે લોકોના ધિરાણ પર મુકેલા રૂ.૨.૩૨ કરોડના સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બ્રાન્ચ બંધ થઈ ગયા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી પોતાની પાસે રહેલી ચાવીથી તિજોરીઓ ખોલી ચોરી કરી બ્રાંચ મેનેજરે બહુ સિફતતાપૂર્વક ફુલેકું ફેરવ્યું હતું. જેને પગલે કંપનીમાં સોનું મૂકનાર સ્થાનિક રહીશો દોડતા થયા હતા અને તેમના શ્વાસ જાણે અધ્ધર થઇ ગયા હતા. કેરેલાની કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીની અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપવામાં આવે છે અને ગ્રાહકોનું સોનું લોકરમાં મૂકવામાં આવે છે. મેઘાણીનગમાં આવેલી બ્રાન્ચમાં એક મહિના પહેલા અમીધર બારોટ (રહે. આશ્રય ફ્લેટ, ન્યુ રાણીપ) બ્રાન્ચ મેનેજર તરીકે જોડાયો હતો. બન્ને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહે છે, જ્યારે એક ચાવી અન્ય કર્મચારીઓ પાસે રહે છે. મંગળવારે બ્રાન્ચ મેનેજર અમીધર અને અન્ય કર્મીઓ સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લો સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ ૫૯૩ પેકેટ હતા. તિજોરીમાં મૂકેલા ૧૪૦૪૭.૯૨ ગ્રામ સોનાનું પેકેટ કે જેની કિંમત રૂપિયા રૂ.૨.૩૨ કરોડ હતી અને રોકડ રકમ રૂ. ૨.૮૩ લાખ હતા. બુધવારે વહેલી સવારના નવ વાગ્યે કર્મીઓ ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને શટર ખોલ્યા બાદ અંદર પ્રવેશ કરીને જોતાં અંદર બે તિજોરીમાંથી એક તિજોરી ખુલ્લી હતી. તિજોરી ખોલી તો સોનાનાં પેકેટ મૂકેલા પતરાનાં બોક્સ ખાલી હતાં. બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલી ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી  હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં. જેથી કર્મચારીઓએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.

બ્રાન્ચ મેનેજર અમીધરનો ફોન બંધ આવતાં હેડ ઓફિસમાં ચોરી થઇ હોવાની જાણકારી આપી હતી. બ્રાન્ચ મેનેજર અમીધર ઓફિસમાં એક મોટી બેગ લઈ આવ્યો હતો અને તે કુલ ૨.૩૨કરોડ રૂપિયાના સોનાના દાગીના અને રૂ.૨.૮૩ લાખની રોકડ રકમ ચોરી કરીને બેગમાં મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે મેનેજરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ આ કરોડોની ચોરી મામલે તપાસ શરૂ કરી છે.

(9:39 pm IST)
  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • ખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST