Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ' વાવાઝોડું:રાજ્યમાં 2.15 લાખ લોકોનું સ્થળાંતર :પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવઓ ખડેપગે : NDRFની ૩૩ ટીમો, SDRFની ૯ ટીમો, આર્મીની ૧૧ કોલમ, BSFની ૨ કંપની, SRP ની ૧૨ કંપની તથા ૩૦૦ મરીન કમાન્ડો સ્ટેન્ડબાય

અમદાવાદ :રાજ્યમાં વાયુ વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવેશી રહેલ વાયુ વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે અને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા છે.

 વાવાઝોડાની તીવ્રતા ૧૫૦ થી ૧૬૫ કિ.મી.ની રહેવાની સંભાવના છે જેને ધ્યાને લઇને રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાંપતી નજર રાખીને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને આ દિવસો દરમિયાન નાગરિકોએ બહાર અવરજવર ન કરવા બહારથી નાગરિકોને આ વિસ્તારોમાં ન જવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.

 શ્રી પંકજ કુમારે વધુ વિગતો આપતા ઉમર્યું કે, આજે સવારથી વાયુ વાવાઝોડા સંદર્ભે રાજ્ય સરકારે ઘનિષ્ઠ કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓએ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરીને પૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.  રાજ્યના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવશ્રીઓ ખડેપગે તૈનાત છે.

 તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાંજે ૬.૦૦ કલાક સુધીમાં ૫૦૦ ગામડાઓમાંથી ૨.૧૫ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને ૨૦૦૦ આશ્રય સ્થાનોમાં તેમના માટે રહેવાની, જમવાની અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી દેવાઇ છે. રાત્રીના સમયે પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ નાઇટ કરવામાં આવશે. જેમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરાશે. સ્થાનિક સ્વૈચ્છિક સંથાઓ અને વહીવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનો પર પૂરતી વ્યવસ્થાઓ પણ કરાઇ છે.

 પંકજકુમારે કહ્યું કે, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જાનમાલને નૂકસાન ન થાય તે માટે NDRFની ૩૩ ટીમો, SDRFની નવ ટીમો, (જેમાં એક ટીમમાં ૯૦ થી ૧૦૦ વ્યક્તિ હોય છે.) આર્મીની ૧૧ કોલમ, BSFની બે કંપની, SRPની ૧૪ કંપની તથા મરીન ૩૦૦થી વધુ કમાન્ડો તહેનાત  કરી દેવાયા છે. તે ઉપરાંત એરફોર્સ દ્વારા ૯ હેલિકોપ્ટરની ટીમો પણ પુરી પાડવામાં આવનાર છે. સાથે સાથે આ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાય તો PGVCL કંપની દ્વારા પણ ઉર્જા મંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને તેના પરિણામે યુદ્ધના ધોરણે વીજપુરવઠો પૂર્વવત કરી દેવાશે. આ ઉપરાંત માર્ગોને પણ જો નૂકસાન થાય તો તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ સાધનો સહિત પૂરતી વ્યવસ્થાઓ થકી ૫૦ ટીમો કાર્યાન્વીત કરી દેવાઇ છે. રસ્તા પરથી મોટા જોખમી હોર્ડિંગ્ઝ પણ ઉતારી દેવાયા છે.

 તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાને લઇને ડી-વોટરીંગ પંપની પણ પૂરતી વ્યવસ્થાઓ કરી દેવાઇ છે. સાથે સાથે વાવાઝોડાને પરિણામે ટેલિકોમ કોમ્યુનિકેશન ખોટવાય તો જે કંપનીનું નેટવર્ક ખોટવાઇ જાય તે સમયે અન્ય કંપની પર સ્વીચ ઓવર કરી દેવાશે જેનો કોઇ અલગથી ચાર્જ નાગરિકોને લાગશે નહિ.

 તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર વહીવટીતંત્ર કોઇપણ પ્રકારની કેઝ્યુલીટી થાય નહીં તે માટે સજ્જ કરી દેવાયુ છે જેનાથી નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

(10:41 pm IST)
  • ''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST