Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પાકિસ્તાન જેલમાં બંધ કુલદીપની બહેનને નોકરી આપવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ :ચાંદખેડા વિસ્તારના રહેવાસી અને હાલ પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ નાનકચંદ યાદવને લઈ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે કુલદીપની બહેન રેખા યાદવને વળતર પેટે ભારત સરકારે નોકરી આપવી જોઈએ.
 આ પહેલા કુલદીપની બહેન રેખા યાદવે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી દાદ માગી હતી. કુલદીપની બહેન રેખાએ રજૂઆત કરી હતી કે તેનો ભાઈ કુલદીપ 24 વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે, આ અંગે ભારત સરકારને અનેક રજૂઆત કરવા છતાં ભારત સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં હાઈકોર્ટે કુલદીપને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઈએ અને પરિવારને વળતર ચુકવવું જોઈએ.
  આ અંગે હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેખાને નોકરી આપવા માટે આદેશ કર્યો હતો. કુલદીપ યાદવ જૂન 1994થી જાસૂસીના આરોપસર પાકિસ્તાનના કબજામાં છે.

  કુલદીપને જાસૂસી કરવાના આરોપસર 25 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. 2007માં કુલદીપના માતા માયા દેવીએ એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યા મુજબ, ''તે 1989માં નવી દિલ્હીમાં નોકરી માટે જવાનું કહીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ તેણે ક્યાં નોકરી મળી છે તે અંગે કંઈ કહ્યું નહોતું. કુલદીપે ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે.

(9:20 am IST)