Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સુરતમાં ઘરની બાલ્કનીમાં સ્ટંટનો વીડિયો બનાવતી વખતે દરવાજા બંધ થયો અને ૮મા ધોરણના છાત્રઍ જીવ ગુમાવ્યોઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરત: સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો અપલોડ કરવાની લ્હાયમાં સુરતના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માતાપિતાની જાણ બહાર સ્ટંટ કરવા ગયેલો ધોરણ 8 નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો છે. ત્યારે સુરતનો આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ ચેતી જવાની જરૂર છે કે, પોતાના સંતાનો શુ કરે છે તેના પર નજર રાખે.

સ્ટંટ કરતા સમયે બારણુ બંધ થયુ અને ફાંસો ગળામા લાગ્યો

સુરતના અશ્વિન વીરડિયાનો પુત્ર મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો. સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. ગઈકાલે ઘરની બાલ્કનીમાં સ્ટંટનો વીડિયો બનાવતા સમયે તેના ગળામાં ફાંસો અટક્યો હતો અને તેનું મોત નિપજ્યુ છે. તેના માતાપિતાએ તેને વીડિયો બનાવવા બાબતે અગાઉ પણ ટોક્યો હતો. પરંતુ ગત મોડી સાંજે માતા પાડોશમાં ગયા હતા. ત્યારે બાલ્કનીમાં ખીલી પર કાપડની દોરી લટકાવી હતી. પગ બારણા પર મૂક્યો હતો. બારણુ બંધ થયુ હતુ અને મીતને ગળામાં ફાંસો લાગી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરાયો હતો.

પુત્ર ગુમાવનાર પિતાની લોકોને સલાહ

ચોંકાવનારી બાબત એ છે કે, મીતે એક જ વર્ષમાં 500 થી વધુ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું... એવા ડાયલોગ્સ સાથે પણ મીતના વીડિયો છે. જેના પર તેના માતાપિતાએ ક્યારેય ધ્યાન ન આપ્યું. ત્યારે એકનો એક પુત્ર ગુમાવનાર પિતા અશ્વિનભાઈ કહે છે કે, મીતને એક્ટિવીટીનો બહુ જ શોખ હતો. બેટરી ભેગી કરી લાઈટ બનાવવી, સ્ટંટ કરવા, કસરત કરવી એ બધા શોખના વીડિયો તે બનાવતો. ફોનમાં ઘણી એપ્લિકેશન હતી તેમાં તે વીડિયો અપલોડ કરતો હતો. ગઈકાલે તે દૂરબીન લઈને કંઈક કરવા ગયો અને માથામાં ઈજા થઈ અન દોરી ગળામાં લટકી ગઈ. ત્રણ ચાર દિવસ પહેલા જ મેં તેને ના પાડી હતી. હાલ વેકેશ હોવાને કારણે તે ફ્રી હતો. તેથી આવા સ્ટંટ કરતો હતો. જેમના બાળકો આવા સ્ટંટ કરતા હોય તેમને મારી સલાહ છે કે, બાળકોના આવા વીડિયો જોઈએ છીએ ત્યારે સારુ લાગે છે, પણ પોતાના બાળકોનુ ધ્યાન રાખો કે આવા કોઈ સ્ટંટ ન કરે.

તો એક સ્વજને કહ્યું કે, લોકોએ છોકરાઓનું ધ્યાન રાખવુ જોઈએ. તેમને એકલા ન રાખવા જોઈએ. વીડિયો બનાવતા સમયે તેમને એકલા ન છોડો. મીતને દિવાલ પર મુક્કા મારવાનો શોખ હતો. તેને મજબૂત થઈને આર્મીમાં જોડાવાના શોખ હતો. સમગ્ર સમાજ માટે સાવચેતીરૂપ કિસ્સો કહી શકાય.

(4:44 pm IST)