Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સુરતમાં ગારીયાધાર અને ખાંભા પંથકના શખ્સો બનાવટી હેન્ડ સેનેટાઇઝરનુ કારખાનુ ચલાવતા ઝડપાયા

૧,૨૦૦ લિટર મિથેનોલ, કાર સહિત રૂ. ૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ,તા. ૧૩: સુરત મોટા વરાછાના રંગવાડી ફાર્મમાં અમરોલી પોલીસે દરોડા પાડી લોકોના સ્વાસ્થય સાથે હાનિકારક બનાવટી હેન્ડ સેનેટાઇઝર બનાવવાનું કારખાનું ઝડપી પાડી ૧૨૦૦ લિટર મિથેનોલ અને ઇકો કાર મળી કુલ રૂ. ૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગારીયાધાર અને ખાંભા પંથકના બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધારી છે.

અમરેલી પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના દુખીયાના દરબાર રોડ સ્થિત રંગવાડી ફાર્મમાં દરોડા પાડયા હતા. જયાંથી સ્વાસ્થય માટે અત્યંત હાનિકારક એવા મિથેનોલ મિશ્રીત રો મટિરીયલ્સનો ઉપયોગ કરી હેન્ડ સેનેટાઇઝર બનાવવામાં કારખાનું ઝડપી પાડયું હતું. પોલીસે ૧૨૦૦ લિટર મિથાઇલ પ્રવાહી અને તેની મદદથી બનાવેલું ૯૦૦ લિટર બનાવટી હેન્ડ સેનેટાઇઝર, સેનેટાઇઝર ભરવા માટેના ૫ લિટરના કેરબા, બલ્યુ સ્કાય હેન્ડ સેનેટાઇઝર લીકવીડ બેઝ લખેલા સ્ટીકર, બે મોબાઇલ ફોન અને મારૂતિ ઇકો કાર નં. જીજે-૦૫ જેપી-૨૮૩૫ મળી કુલ રૂ. ૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે મિથેનોલ મિશ્રીત હેન્ડ સેનેટાઇઝર બનાવી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરનાર જીગર જશવંત ભાલાળા (ઉ.વ. ૨૭ રહે. ગોકુલધામ એપાર્ટમેન્ટ, વૈદરાજ મહાદેવ મંદિર, એ.કે. રોડ, વરાછા અને મૂળ. પાંચ ટોબરા ગામ, તા. ગારીયાધાર, જિ. ભાવનગર) અને નરેશ છગન ડાભી (ઉ.વ. ૨૯ રહે. અંજની સોસાયટી, બુટભવાની રોડ, પુણા અને મૂળ. ભાડવાકયા ગામ, તા. ખાંભા, જિ. અમરેલી) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)