Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગુજરાતમાં કોરોનાને ડામવા નિયંત્રણો લાગુ

નાના દુકાનદારોનું અમુક કલાક દુકાનો ખોલવા દેવા દબાણ

એપ્રિલ મહિનાથી નાના વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા બાદ હવે તેમની હાલત કફોડી બની જતા દુકાનદારો અકળાયાઃ ગુજરાતમાં આગામી ૧૮મી મે સુધી નિયંત્રણો લંબાવાયા છે

અમદાવાદ, તા.૧૩: કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન, કર્ફ્યૂ, સ્વયંભૂ બંધ સહિતના નિયંત્રણો જરુરી બની ગયા છે, આવામાં ગુજરાતમાં કેટલાક પ્રતિબંધો લગાવીને કોરોના પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવામાં નાના વેપારીઓની હાલત ફરી એકવાર કફોડી બની રહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં વેપાર-ધંધા વગર જીવન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ સુરત, વલસાડ, જામનગર જેવા મોટા માર્કેટોમાં વેપારીઓએ દિવસ દરમિયાન દુકાનો ખુલ્લી રાખવા માટેની મંજૂરી મળે તે માટે કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે.

એક તરફ નાના વેપારીઓ અને રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ વર્ગના લોકો વેપાર-ધંધા ફરી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં બે દિવસ અગાઉ સરકારે વધુ અઠવાડિયા માટે નિયંત્રણોને યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. એટલે કે નિયંત્રણોને આગામી ૧૮ મે સુધી લંબાવવામાં આવ્યા છે. આ અંગે રાજયના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારના નિયંત્રણો, સ્વૈચ્છિક લોકડાઉન અને લોકોના સહયોગથી સંક્રમણની ચેઈન તોડવા માટે ભરવામાં આવેલા પગલાની થોડી અસર દેખાઈ રહી છે, આવામાં ૧૮ મે સુધી સૌ સહકાર આપે. જોકે, ૧૮ પછી નાના વેપારીઓને રાહત મળશે કે નહીં તે એ સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. કારણ કે, જાડેજાએ કહ્યું છે કે, ૧૮મી મેના રોજ દરેક વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરીને રાહત આપવી કે કેમ તે અંગે નિર્ણય કરાશે.

મુખ્ય ચાર શહેરોમાં કોરોના કેસને વકરતા અટકાવવા માટે જે નિયંત્રણો લગાવવામાં આવ્યા તે પછી રાજયના ૨૯ અને પછી ૩૬ શહેરોમાં નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે, આ નિયંત્રણોના કારણે દવાની દુકાન, કરિયાણાની દુકાન, ચશ્માની દુકાન, હોટલ (માત્ર જમવાનું પેક કરીને લઈ જવું) અને દૂધ તથા શાકભાજી સિવાયના વેપાર-ધંધા બંધ કરવામાં આવ્યા છે આ શો-રુમ, દુકાનો, માઙ્ખલ, જીમ, થિયેટર, કોમર્શિયલ કોમ્પલેક્ષમાં રોજની આવક પ્રમાણે કામ કરતા અને નાના પગારવાળા લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.

એક તરફ મોટા વેપારીઓ દ્વારા અને એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધના નિર્ણય લેતા નાના વેપારીઓએ બલીનો બકરો બનવા જેવી સ્થિતિ સર્જાઈ છે. આવામાં સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગઈકાલે અમદાવાદના કોટ વિસ્તારમાં નિયંત્રણોમાં છૂટછાટ અપાઈ હોય તે સિવાયની દુકાનો ખુલ્લી જોવા મળી હતી, આ દરમિયાન ખરીદી માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. આ જ રીતે વડોદરામાં પણ અડધા શટર ખોલીને ગ્રાહકોને અંદર લઈ વેપાર કરતો હોવાનું જોવા મળ્યું હતું. આ સિવાય સુરતમાં ટેકસટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી કે, માર્કેટમાં મોટા પ્રમાણમાં માલ પડ્યો છે, અને બીજી તરફ એકસપોર્ટ ઓર્ડર, બીજા રાજયોના ઓર્ડર સપ્લાય કરવા અને કરવેરાની કામગીરી માટે ૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે.

વડોદરામાં પણ કપડા, બૂટ, મોબાઈલ જેવી બિનજરુરી દુકાનો ખોલવા માટેની માગણી થઈ રહી છે. આ સિવાય વલસાડમાં અને રાજકોટમાં પણ વેપારીઓ અમૂક કલાકો સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા હોવાનું રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. બીજી તરફ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા સરકારે લીધે ૧૮ મે સુધી નિયંત્રણ લંબાવવાના નિર્ણયનું પાલન થાય તે માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ નિયમની વિરુદ્ઘમાં જતા લોકો સામે પગલા ભરવાની પણ સૂચના આપી છે.

(10:59 am IST)
  • ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ માથું ઊંચક્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 359 અને ગ્રામ્યના 332 કેસ સાથે કુલ 691 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:39 pm IST

  • ચંદીગઢ પોલીસે અધધધ 100 કરોડ રૂપિયાનું 10 કિલો કોકેઇન (ડ્રગ્સ) કબજે કર્યું છે અને કુરિયર દ્વારા આ ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. access_time 11:26 pm IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST