Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરતમાં કોરોનાના નવા 22 સહીત જિલ્લામાં સંક્રમિતની સંખ્યા 1007એ પહોંચી : વધુ ત્રણ મોત : મૃત્યુઆંક 41 થયો

કતારગામ ઝોનમાં સૌથી વધુ ૭ કેસો આજે નોંધાયા : કુલ ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધીને ૫૪૦ થઇ

 

સુરત : છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં વધુ ૨૨ અને જિલ્લામાં એક કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૯૪૯ થઇ ગઇ છે, જયારે સુરત શહેર અને જિલ્લાના કુલ પોઝેટીવ કેસોની સંખ્યા 1007 પર પહોંચી છે. કતારગામ ઝોનમાં સૌથી વધુ ૭ કેસો આજે નોંધાયા છે. કો-મોર્બિડ કંડીશન ધરાવતાં વધુ ત્રણ કોરોનાગ્રસ્ત દરદીઓની આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શહેરમાં કુલ મૃતાંક વધીને 41 થઇ ગયો છે. શહેરમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ ૫.૭ ટકા જ્યારે મૃત્યુદર ૪.૪ ટકા હાલ રહ્યું છે.

મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, શહેરમાં કુલ ૧૬૫૧૬ સેમ્પલોના ટેસ્ટિંગ કરાયા છે. જે પૈકી હોસ્પિટલ સેમ્પલોના ટેસ્ટિંગમાં ૨૪૨ અને કોમ્યુનિટી સેમ્પલોના ટેસ્ટિંગમાં ૭૦૭ પોઝિટિવ કેસો નોધાયા છે. એક્ટિવ સર્વેલન્સની ૧૫૮૭ ટીમોમાં 'એરી'ના ૮૨ કેસો, ૪૦ ફિવર ક્લિનિકોમાં ૯૨ કેસો, જેમિની એપ દ્વારા ૩૦૦ 'એરી'ના કેસો સામે આવ્યા છે. પોઝિટિવ દરદીઓના કોન્ટેક્ટ્સ ટ્રેસિંગ માટે ૨૦૯ ટીમો દ્વારા ૨૫૦થી વધુ 'એરી'ના કેસો સામે આવ્યા છે.

કમિશનર પાનીએ જણાવ્યું કે, આઇએમએના હોદ્દેદારો અને પ્રાઇવેટ ક્લિનિકો ધરાવતાં ફિઝિશ્યનોને કરવામાં આવેલ અપીલïને પગલે શહેરહિતમાં શહેરના મોટાભાગના દવાખાનાઓ કાર્યરત થઇ ગયા છે. જેથી તંત્રને મોટી રાહત 'એરી'ના કેસોની વિગતો મેળવવામાં થઇ રહી છે. આજે ઉધના વિસ્તારના ૬૩ વર્ષીય ઇસરત ભતૂર ખાનનું મૃત્યુ થયું છે. કીડનીની બીમારીથી પીડાતા અને કોરોનાગ્રસ્ત ઇસરત ખાનની માહિતી સ્થાનિક બીએચએમએસ ડોક્ટર દ્વારા મનપાને આપવામાં આવી ન હતી. તેથી તંત્ર દ્વારા આ ડોક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે. આજે સમરસમાંથી ૦૨ અને સિવિલમાંથી ૦૩ દરદીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. શહેરમાંથી કુલ ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધીને ૫૪૦ થઇ છે અને રીકવરી રેટ ૫૬.૯ ટકા નોંધાયો છે.

 

(11:55 pm IST)