Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ગુજરાતની સ્થાપનાથી આજ સુધીના ૭/૧૨ આંગળીના ટેરવે

ગુજરાતના કરોડો ૭/૧૨નું સ્કેનીંગ થઈ ગયુઃ ટૂંક સમયમાં ઓનલાઈન જોવા મળશે

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઈ ત્યાર પછીના અને તે પહેલાના કેટલાક વર્ષોના ૭/૧૨નું સ્કેનીંગ કામ પુરૂ થઈ ગયુ છે. બે ત્રણ મહિનામાં અપલોડ કરીને ઓનલાઈન મુકી દેવામાં આવશે. ૨૦૦૪ પછીના ૭/૧૨ કોમ્પ્યુટરાઈઝડ છે જ. તે પૂર્વેના ૭/૧૨ સ્કેન કરીને ઓનલાઈન મુકાતા ગુજરાતના લગભગ તમામ ૭/૧૨ આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકશે.

૭/૧૨ એ ખેતીનો રેકોર્ડ અને વાવેતરની નોંધનો અગત્યનો દસ્તાવેજ છે. ટાઈટલ મેળવવામાં તે ઉપયોગી છે. રાજ્ય સરકારે કરોડો ૭/૧૨નું સ્કેનીંગ કરી નાખ્યું છે. સમગ્ર મહેસુલી રેકોર્ડ ઓનલાઈન કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમના કારણે મહેસુલ વિભાગની કામગીરી સરળ, ઝડપી અને વધુ વિશ્વસનીય બનશે. લોકો ઈચ્છે ત્યારે ૭/૧૨ જેવા રેકોર્ડ પોતાની રીતે ઓનલાઈન તપાસી શકશે. સરકાર મહેસુલી તુમારોમાં પણ આધુનિક પદ્ધતિ અપનાવવા માગે છે. મહેસુલ વિભાગમાં કોઈ પણ પ્રકારનો તુમાર આવે તેના માટે ફાઈલ ટ્રેકીંગ સિસ્ટમ ગોઠવાઈ રહી છે. જેનાથી કઈ ફાઈલ, કેટલા દિવસ કયા ટેબલ પર રહી ? તેની માહિતી પારદર્શક બનશે. હાલ બીનખેતી અને પ્રિમીયમ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી લોકોને ખુદને પોતાની અરજી પછીની કામની પ્રગતિની જાણકારી આંગળીના ટેરવે મળી શકે છે.

(3:53 pm IST)