Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા લોકોમાં ફફડાટ :મનપાના ટેસ્ટિંગ બુથો પર સવારથી જ લોકોની લાઈન

વસ્ત્રાપુર અને અંકુર ચાર રસ્તા પાસે 110 લોકોના કોરોના ટેસ્ટ કરાયા જેમાથી 12 લોકોકોરોના પોઝિટિવ

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના વાયરસના કારણે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ખાસ કરીને આ વખતે લોકોએ ખાસ તકેદારી રાખવાની જરુર છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ બુથ પર સવારથી જ લોકોની લાઈન જોવા મળી રહી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના દ્વારા લગાવવામાં આવેલા ટેસ્ટિંગ બુથ લગાડવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાપુર અને અંકુર ચાર રસ્તા પાસે દિવસે 110 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 12 લોકો પોઝિટિવ નિકળ્યા છે. જોકે શહેરમાં તમામ ટેસ્ટિંગ સેન્ટર પર લોકો આજે મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા.છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું પણ ટાળી દીધુ છે.જેથી કોરોના કેસ વધવાની શકયતા સેવાઇ રહી છે સાથે રાજકીય મેળાવળા અને અમદાવાદ રમાય રહેલી મેચમાં પણ લોકો માસ્ક વગર મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે જેથી આ તમામ લોકોના લીધે તમામ અમદાવાદીઓ ને હેરાન થવાનો વારો આવી શકે છે.

હાલ રાજયમાં લોકો કોરોના વાયરસનું ભાન ભૂલીને તમામ નિયમો નેવે મૂકી રહ્યા છે. ઘણા એવા લોકો હજી પણ બજારમાં માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ફરતા જોવા મળી રહ્યા છે. જયારે કેટલાક લોકોને એવો પણ ભ્રમ છે કે હવે વેક્સિન આવી ગઈ છે તો ડરવાની જરૂર નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 45 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 4 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જેમાં જોધપુરના 2 મકાનના 11 લોકો, ઘાટલોડિયાના 52 મકાનોના 200 લોકો અને બોડકદેવમાં 12 ઘરોના 50 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શહેરના 4 વિસ્તારોમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 44 ઘરોના 171 લોકોને દૂર કરાયા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (13 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં 153 જેટલા નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનાના 28 દિવસોમાં 1683 કેસ નોંધાયા હતા. જેની સામે માર્ચના 11 દિવસમાં જ 1323 કેસ સામે આવી ગયા છે. અત્યારે પણ શહેરની વિવિધ હોસ્પિટલોમાં 428 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે. શહેરમાં ગુરૂવારે વધુ 3 નવા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે. જ્યારે 5 વિસ્તારોને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં ગુરુવારે લગભગ 17 હજાર જેટલા લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે. જેમાં 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષની વચ્ચેના ગંભીર બીમારીગ્રસ્ત 10,135 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 17,24,805 લોકોને કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જ્યારે 4,25,371 લોકોને વૅક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

(7:36 pm IST)