Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

બનાસકાંઠાના થરામાં નવનિર્મિત પૂ. જલારામબાપા મંદિરની પ્રતિષ્ઠાવિધી સંપન્ન

પાટણ, તા. ૧૩ : ઉતર ગુજરાતમાં અતિ ભવ્ય અને વિશાળ જલારામબાપાનું મંદિર રૂ. ૪ કરોડના ખર્ચે પાલનપુર-કંડલા હાઇવે ઉપર થરા ગામે બનાવવામાં આવ્યું છે. જેનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો. પ્રથમ દિવસે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞ વીધીથી શરૂઆત થઇ હતી. બીજા પાવનકારી દિવસે શહેરમાં ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવેલ.

થરાનગરમાં પ્રથમ આવી શોભા યાત્રા નિકળી હશે જેમાં ૧ ગજરાજ, ૧૧ ઘોડાબગીઓ, ડી.જે. બેન્ડ સાથે નિકળેલ. આ શોભાયાત્રા શહેરના રાજ માર્ગો ઉપર ફરી નીજમંદિરે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં ઉતર ગુજરાતના થરા-શીહોરી ભાભર રાધનપુર-હારીજ, સમી, મહેસાણા , અમદાવાદ કચ્છ, ભુજ અને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજ ઉપસ્થિત રહ્યો હતો. થરાનગરના તમામ ગ્રામજનોએ ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રાખી જલારામબાપાની સેવામાં તન મન ધનથી જોડાઇ જવા પામ્યો હતો. રાત્રે ધર્મ સભાનું આયોજન ભગવાનભાઇ બંધુ પ્રહલાદભાઇ માસ્તરે  કર્યું હતું જયારે રાત્રે સાંઇરામ દવેના ડાયરાએ રંગત જમાવી હતી. જયારે ત્રીજા દિવસે યજ્ઞ તથા ભાવનાબેન ગોકલાણીનો આનંદના ગરબાએ જબરજસ્ત આકર્ષણ જમાવ્યું હતું.

નવા મંદિરમાં રામદરબાર, દરીયાલાલ દાદા, ગણપતિદાદા, હનુમાનદાદા, યમદેવ, કુબેરદેવ, વરૂણદેવ અને નાગદાદાની નવી મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી હતી.

આ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક લાખથી વધુ ભકતજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ ભવ્ય મંદિરમાં દાતાઓ દ્વારા સુંદરદાન કરવામાં આવેલ તે દાતાઓનું ખૂબજ સન્માન કરવામાં આવેલ.

ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ જલારામ સેવા ટ્રસ્ટ થરા સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ, થરાનગરના સમગ્ર ગ્રામજનો નગરપાલિકા, પોલીસ તંત્ર યુવાનો અને બહેનોએ આયોજન કર્યું હતું.

(4:09 pm IST)