Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સીબીએસઇ ધો.૧૨માં પોલિટિકલ સાયન્સ અને ગણિતમાં પ્રેકિટકલ પરીક્ષા લેવાશે

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી થશે અમલ

અમદાવાદ,બુધવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી બોર્ડ સીબીએસઇ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૨માં મેથેમેટિકસ અને પોલિટિકલ સાયન્સના વિષયમાં પ્રેકિટકલ પરીક્ષાઓ લેવાનો નિર્ણય જાહેર કરાયો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પિસા પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એસેસમેન્ટ ૨૦૨૧માં ભાગ લેવા આ નિર્ણય લેવાયો છે.

સીબીએસઇ દ્વારા અત્યાર સુધી મેથ્સ અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયમાં ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ ૨૦૧૯-૨૦ થી તેમાં ફેરફાર કરવાનો નિર્ણય એમએચઆરડી દ્વારા કરવામાં આવ્યો છે.

આ ફેરફાર મુજબ પ્રેકિટકલ પરીક્ષાના ૧૦૦માંથી ૨૦ ગુણ રહેશે. જયારે બાકીના ૮૦ ગુણમાંથી ૨૫ ટકા ઓબ્જેકિટવ એટલેકે ૨૦ ગુણના ઓબ્જેકિટવ અને બાકીના ૭૫ ટકા સબ્જેકિટવ એટલે કે ૬૦ ગુણના સબ્જેકિટવ પ્રશ્નો પુછાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીએસઇએ ધો.૧૨માં અંગ્રેજી વિષયની પેપર સ્ટાઇલ આ વર્ષે બદલી છે.

નવી પેપર સ્ટાઇલ મુજબ આગામી માર્ચ ૨૦૧૯ની પરીક્ષામાં નવી પેપર સ્ટાઇલમાં કુલ પ્રશ્નો જે ૪૦ હતા તે ઘટાડીને ૩૫ કરવામાં આવ્ય છે. જ્યારે એક સેકશનમાં એમસીકયુ અને ટૂંકા પ્રશ્નોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત પેજની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત સીબીએસઇ દ્વારા વોકેશનલ વિષયોની પરીક્ષામાં પણ ફેરફાર કરાયો છે. વોકેશનલ વિષયોની પરીક્ષા હવે સીબીએસઇ દ્વારા આ વર્ષની જેમ હવે હંમેશા ફેબ્રુઆરીમાં લેવાશે. અત્યાર સુધી સીબીએસઇ દ્વારા ધો.૧૦ અને ૧૨ના વોકેશનલ વિષયોની પરીક્ષા માર્ચમાં જ લેવાતી હતી પરંતુ વિદ્યાર્થીઓ પર મુખ્ય વિષયોની પરીક્ષાનું ભારણ માર્ચ પરીક્ષામાં ઘટે અને પરીક્ષા લેવામાં પણ સરળતા રહે તે માટે વોકેશનલની પરીક્ષા અગાઉ કરી દેવાઇ છે હવે સીબીએસઇ દ્વારા આગામી વર્ષથી મેથ્સ અને પોલિટિકલ સાયન્સ ધોરણ ૧૨માં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

(4:05 pm IST)