Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

MLA ની ઓફિસમાં તોડફોડ કેસઃ જજે હાર્દિકની અરજી 'નોટ બીફોર મી' કરી

હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે કોર્ટમાં અરજી કરી હતી

અમદાવાદ, તા.૧૩: વિસનગર એમએલએની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલે વિસનગર કોર્ટના આદશ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક આગામી લોકસભાની ચૂંટણી લડવા માંગતો હોવાથી તેણે આ અરજી કરી હતી. વિસનગર કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા પડી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યકિતને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે કોર્ટમાં અરજી કરી હતી. આથી ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી છે. હવે હાર્દિકની અરજી પર ૧૫મી માર્ચે બીજા જજ સુનાવણી શરૂ કરશે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુકત કર્યા હતા.

કલમ ૧૨૦/બી કાવતરૂ કરવું, કલમ ૪૩૫- આગ લાગાવવી, કલમ ૪૨૭ - જાહેર સંપત્તિને નુકસાન, કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮- રાયોટિંગનો ગુનો. ૨૩મી જુલાઈ, ૨૦૧૫ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણતોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.

(3:50 pm IST)