Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આજે કેટલો દારૂ પકડયો? રોજે રોજ રીપોર્ટ કરવાના આદેશથી પોલીસ તંત્ર ઉંધા માથે

રાજયભરના ઉચ્ચ અધિકારીઓએ નરસિંમ્હા કોમારને માહિતી આપવી પડશેઃ એડમનનો હવાલો ધરાવતા કોમાર ચૂંટણી ખર્ચ પર પણ નજર રાખશેઃ સંજય શ્રીવાસ્તવ કેન્દ્રમાંથી આવનાર અર્ધ લશ્કરી દળોની ગુજરાતભરની વ્યવસ્થા સંભાળશેઃ કેન્દ્રીય ચૂંટણી પંચે લો એન્ડ ઓર્ડરના એડીશ્નલ ડીજી અને આઇજીપીની ગુજરાતના નોડલ પોલીસ ઓફીસર તરીકે નિમણુંક કરતા જ ધમધમાટ

રાજકોટ, તા., ૧૩:  ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણીની જાહેરાત થવાની સાથે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા ગુજરાતમાં બે સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓની ચૂંટણી પંચ વતી ફરજ બજાવવા માટે પોલીસ નોડલ ઓફીસર તરીકે લો એન્ડ ઓર્ડરના એડીશ્નલ ડીજીપી સંજય શ્રીવાસ્તવ અને આઇજીપી નરસિંમ્હા કોમારની પસંદગી થવાની સાથે જ કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લો એન્ડ ઓર્ડરના એડીશ્નલ ડીજી અને સિનીયર આઇપીએસ સંજય શ્રીવાસ્તવને ચૂંટણી દરમિયાન કેન્દ્રમાંથી આવનાર અર્ધ લશ્કરી દળો તથા રાજયના અર્ધ લશ્કરી દળોને કયાં મુકવા? તે માટેની મહત્વની કામગીરી સુપ્રત કરી છે.

સુત્રોના નિર્દેશ મુજબ લોએન્ડ ઓર્ડરના વડા અને પોલીસ રીફોર્મ તથા રાજયના એડમન વડાનો ચાર્જ સંભાળતા નરસિંમ્હા કોમારને ચૂંટણી ખર્ચ પર નજર રાખવા સાથે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન દારૂબંધીની નિતીનો ચુસ્તપણે પાલન થાય તે માટેની મહત્વની જવાબદારી સુપ્રત થયાનું બહાર આવ્યું છે.

દારૂબંધીની મહત્વની જવાબદારી આઇજી કક્ષાના નરસિંમ્હા કોમારને સુપ્રત થતા  જ તેઓએ ગુજરાતના તમામ એસપીઓ, રેન્જ વડાઓ અને પોલીસ કમિશ્નરોને તેમના સ્ટાફ દ્વારા કેટલો દારૂ પકડાયો? તેની રોજે રોજની વિગત મોકલવા આદેશ કરતા જ પોલીસ તંત્ર દોડતું થવા સાથે કઇ કાચુ ન કપાય તે માટેની કાળજી પણ લેવામાં આવી રહી છે. આમ સંજય શ્રીવાસ્તવ અને નરસિંમ્હા કોમાર જેવા રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ આઇપીએસ અધિકારીઓને આ મહત્વની જવાબદારી સુપ્રત થતા જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તાબાના સ્ટાફને બુટલેગરો પર ઘોંસ બોલાવવા પણ છેલ્લા કેટલાક દિવસોથી સુચનાઓ આપી છે. એમ કહેવાય છે કે ચુંટણી પંચ દ્વારા કેટલો દારૂ કયાંથી પકડાયો? તેની વિગતો જાહેર થશે અને જાણકારો પાસેથી પણ બારોબાર દારૂના અડ્ડાઓ અંગે પણ માહીતી મંગાનાર હોવાનું ચર્ચાઇ રહયું છે.

(12:00 pm IST)