Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

પોતાની મુડી ગરીબ બાળકો માટે દાન કરવા માંગતા મહાત્મા ગાંધીજીના ૯૨ વર્ષીય પૌત્રવધુનું સરકારી અધિકારીઓ દ્વારા અપમાન

સુરત: અનેક વખત સરકારી અધિકારીઓનું વર્તન એટલું બેહુદુ હોય છે કે તેઓ જાણે લોકોની કોઈ પરવા જ નથી, આવી એક ઘટના સુરતમાં બની છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધુનું રીતસર અપમાન કરવામાં આવ્યું હતું. પોતાની મૂડી ગરીબ બાળકો માટે દાન કરવા માંગતા ગાંધીજીના પૌત્રવધુ એક ટ્રસ્ટ શરૂ કરવા માંગતા હતા. જોકે તેમની વારંવારની અરજી ચેરીટી કમિશ્નર ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,. સાથે એવી ટીપ્પણી પણ કરવામાં આવી હતી કે શા માટે ગાંધીજીના પરિવારજનો તેમનું નામ વટાવવા માંગે છે. જેથી સોમવારે ખુદ 92 વર્ષીય પુત્ર વધુ ચેરીટી કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા. અને ટ્રસ્ટનું રજીસ્ટેશન કરાવ્યું હતું.

દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એક સાદું અને સરળ જીવન જીવતા હતા. તેમના પરિવારજનો પણ આવું જ જીવન જીવ્યા અને જીવી પણ રહ્યા છે. ગાંધીજીના પરિવારજનોએ ક્યારેય પણ બાપુના નામનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો નથી. ઉલટાનું લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. પરતું જે ગાંધી બાપુનો ફોટો સરકારી અધિકારીઓ પોતાની ઓફિસમાં લગાવે છે તેજ સરકારી ઓફિસનાં અધિકારી દ્વારા ગાંધીજીના પુત્રવધુએ 92 વર્ષની ઉમર બે માળ ચઢીને જવું પડ્યું હતું, કારણ કે અધિકારીની ઈચ્છા હતી કે ડો શિવાલક્ષ્મી ગાંધી જાતે જ ઓફિસમાં આવે.

વાત એમ છે કે ડો શિવાલક્ષ્મીએ મહાત્મા ગાંધીના પૌત્ર ડો કનુભાઈના ધર્મપત્ની છે, થોડા વષો અગાઉ ડો કનુભાઈ વિદેશથી પત્ની ડો શિવાલક્ષ્મી સાથે ભારત આવી સુરતમાં રહેતા હતા, જોકે બાદમાં તેઓ થોડા સમય માટે દિલ્હી રહેવા ગયા હતા. જ્યાં ડો કનુભાઈનું અવસાન થયું હતું, ત્યારે એકલા રહી રહેલા ડો શિવાલક્ષ્મી ગાંધીને સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતા બળવંત પટેલ પોતાના ઘરે લઇ આવ્યા હતા. અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેઇસ એડમિસ્ટ્રેશન એટલે કે નશામાં વૈજ્ઞાનિક હતાં.

રાજીનામું આપ્યા બાદ નાશા દ્વારા ડો કનુભાઈનો યોગદાનને પગલે તેમને પેન્શન આપવામાં આવી રહ્યું હતું. ડો કનુભાઈના અવસાન બાદ પેન્શન તેમના પત્ની ડો શિવા લક્ષ્મીને આ પેન્શન મળી રહ્યું છે. પોતાના આર્થિક ભંડોળને તો ભારત દેશના એવા બાળકો માટે ઉપયોગ કરવામાં આવે જે ભણવા માંગે છે. ડો શિવા એન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી નામથી ટ્રસ્ટ તેઓ શરૂ કરવા માંગતા હતા, જેના માટે તેમને સુરતના જૂની બહુમાળી બિલ્ડિંગ ખાતે આવેલી ચેરીટી કમિશ્નરની ઓફિસમાં અરજી કરી હતી. પરતું બે મહિના ઉપરાંતના સમય બાદ પણ તેમની અરજી પર કોઈ કાર્યવાહી કરવા આવી ન હતી. ત્યારે ખુદ ડો શિવાલક્ષ્મીએ કહ્યું હતું કે ભારતમાં આ કેવી સીસ્ટમ છે કે સેવા માટે દાન આપવું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ અંગે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ડો શિવા એન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી પરિમલ દેસાઈએ કહ્યું હતું કે ડો શિવાલક્ષ્મી દ્વારા બનાવાવમાં આવેલા ટ્રસ્ટથી તેઓ સેવા કરવા માંગતા હતાં. આ માટે સુરતની ચેરીટી કમિશ્નરની ઓફિસમાં અરજી કરી હતી. પરતું બે મહિના ઉપરાંતના સમય બાદ પણ તેમની અરજી પર કોઈ કાર્યવાહી કરવા આવી ન હતી. પરિમલ દેસાઈ જયારે ચેરીટી કમિશ્નર ઓફીસના અધિકારીને મળ્યા હતાં ત્યારે અધિકારીને કહ્યું હતું કે આ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં, તો અધિકારીનું કહેવું હતું કે ટ્રસ્ટનું કરવું હોય તો જે મુખ્ય ટ્રસ્ટી છે. તેઓ અને દાન આપનારે ચેરીટી કમિશ્નરની ઓફિસે આવવું પડશે.

આ અંગે પરિમલ દેસાઈએ અધિકારીને જણાવ્યું હતું કે ટ્રસ્ટ તરફથી તેમને મેનેજીંગ ટ્રસ્ટી બનવવામાં આવ્યા છે, તેમની પાસે તમામ જરૂરી ઓરીજીનલ પુરવાઓ છે, સાથે મુખ્ય ટ્રસ્ટી અને દાતાની ઉંમર 92 વર્ષની છે તેઓ ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નથી, વધુ ડો શિવાલક્ષ્મી ગાંધી જેવો દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધુ છે તેમ પણ પરિમલ દેસાઈએ જણાવ્યું હતું. ચેરીટી કમિશ્નરના અધિકારીએ આ અંગે કહ્યું હતું કે જે પણ હોય પરતું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન માટે ડો શિવાલક્ષ્મીએ ઓફિસે આવવું જ પડશે.

પરિમલ દેસાઈ ત્યારે સૌથી વધુ અપમાન જનક લાગ્યું જ્યારે અધિકારીએ એવી ટીપ્પણી કરી હતી કે સરદારના વંશજોએ ક્યારેય તેમનું નામ નથી વટાવટા તો પછી ગાંધીજીના વંશજો શા માટે વટાવે છે. ત્યાર બાદ 11મી માર્ચની તારીખ ચેરીટી કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી, જેથી 92 વર્ષના ડો શિવાલક્ષ્મી જાતે જ ચેરીટી કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં પરિમલ દેસાઈ અને અન્ય લોકોએ તેમને વ્હીલચેરમાં બેસાડી બીજા માળે લઇ ગયા હતા, અને ટ્રસ્ટના રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી હતી.

ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયાનો આનંદ

92 વર્ષની ઉંમરે જાતે જ જઈ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ડો શિવાલક્ષ્મીએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ આજે ખુબ ખુશ છે, તેમની ઈચ્છા હતી કે ભારતના ગરીબ બાળકો જેઓ ભણવા માંગે છે. તેમને આર્થિક મદદ મળે, તે માટે જ તેઓ ટ્રસ્ટ બનવવા માંગતા હતા. સ્વ. પતિ કનુભાઈની ઈચ્છા હતી કે લોકો માટે કામ કરવામાં આવે અને સાથે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ લોકોની સેવામાં માટે પોતાનું ખપાવ્યું હતું, ત્યારે આ ખુબ ખુશીનો સમય છે, તેમને એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈ પણ વિવાદમાં પાડવા માંગતા નથી.

અગાઉ પણ થયું હતું અપમાન

મહાત્મા ગાંધીની 150મી જંયતી દેશભરમાં સરકાર મનાવી રહી છે, દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. એ તસવીરમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીની હતી, જેમાં કનુભાઈ મહાત્મા ગાંધીની લાઠી પકડીને ચાલી રહ્યા હતાં. ગત 30 જાન્યુઆરીએ દાંડી યાત્રા સાથે જોડાયેલા મ્યુઝીયમનું નવસારીના દાંડી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાપર્ણ કર્યું હતું. અંદાજે 150 કરોડના ખર્ચે બની રહેલા આ મ્યુઝિયમના લોકાપર્ણ કાર્યક્રમમાં તમામ મહાનુભાવાની યાદી બનાવી તેમને આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યું હતું.

જોકે મહાત્મા ગાંધીના પરિવાર સાથે જોડાયેલા ડો શિવાલક્ષ્મીને જ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે ઝી 24 કલાકે સાથે ની વાતચીતમાં તે સમયે ડો. શિવાલક્ષ્મીએ જણાવ્યું હતું કે તેમને આ મ્યુઝીયમ વિષે કોઈ માહિતી નથી, તેઓ છેલ્લા અગિયાર મહિનાથી સુરતમાં રહી રહ્યા છે, જોકે કોઈએ તેમને બાપુના મ્યુઝીયમ અંગે જાણ કરી નથી, જો મને બોલાવવામાં તો હું જરૂરથી જઈશ, કારણ કે દાંડી યાત્રા સાથે મારા પતિ સ્વ. કનુંભાઈ ગાંધીની યાદો જોડાયેલી છે. પરતું કોઈ આમંત્રણ આપવા આપવામાં આવ્યું ન હતું. જોકે બાદમાં મીડિયાના અહેવાલ બાદ આમત્રણ તો અપાયું હતું, પરતું સિક્યુરિટીની મંજુરી ન હોવાથી તેઓ ને પ્રવેશ મળ્યો ન હતો.

(4:41 pm IST)