Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

તેઓ પોતાના બાળકોના અંતિમ દર્શન પણ નહીં કરી શકેઃ ઇથોપિયન વિમાનમાં સુરતના ૬ વ્‍યક્તિના મોત બાદ માતા-પિતા ઉપર આભ તૂટી પડ્યું

સુરત: ઇથોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 વિમાન ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, ત્યારે આ દુર્ઘટનામાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના ચાર સહિત 6 વ્યક્તિઓનાં મોત થયા હતાં. મૂળ સુરતના પ્રેરિત દીક્ષિત, પત્ની અને બે બાળકીઓ સાથે સાસુ હંસીની વૈદ્ય અને સસરા પન્નાગેશ વૈદ્યનું પણ મોત નિપજ્યું હતું. સુરતમાં એકલા રહેતા પ્રેરિતના માતા-પિતા પણ જાણે કે આ ઘટના સાંભળ્યા પછી આભ તૂટી પડ્યું હતું. તેમને સૌથી વધુ દુઃખ એ વાતનું છું કે તેઓ પોતાના બાળકોના અંતિમ દર્શન પણ નથી કરી શકે.

સુરતના ઉધના મગદલ્લા વિસ્તારમાં આવેલી ભારત સોસાયટીમાં રહેતા પ્રેરિત દિક્ષીતના માતાપિતા વિરેન્દ્ર અને પરિંદાબેન દિક્ષીતે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કે, પ્રેરિત છેલ્લા 18 વર્ષથી પત્ની કોશા, બે પુત્રી આશ્કા અને અનુશ્કા સાથે ટોરેન્ટોમાં રહેતો હતો. કોશાનાં માતા પિતા એટલે તેમના વેવાઈ મૂળ વડોદરાના અને હાલમાં અમદાવાદ રહેતા પન્નાગેશભાઈ વૈધ અને હંસીની વૈધ તેમને મળવા ગયા હતા. તે તમામ લોકો કેન્યા ખાતે રહેતા પ્રકાશભાઈને મળવા જતા હતા.

પન્નાગભાઈ વૈધ અને હંસીની વૈધના મિત્ર અને પાડોશી પ્રકાશભાઈ કેન્યામાં સોનાનો વેપાર કરતા હતા, તેઓ પોતાનો બિઝનેશ અન્ય કોઈ સ્થળે સીફ્ત કરી રહ્યા હતા, જેથી પ્રકાશભાઈએ તમામને મળવા માટે બોલાવ્યા હતા, પરિવારનું એવું પણ કહેવું હતું કે કોશાનો જન્મ મોમ્બાસામાં થયો હતો, જેથી તે સ્થળે પણ જવાની ઈચ્છા આશ્કા અને અનુશ્કાને હતી. તમામ લોકો ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા થી ઇથોપિયન એરલાઇન્સ બોઇંગ 737 મેક્સ 8 પ્લેનમાં સવાર થાય હતા, દરમિયાન પ્લેન ક્રેશ થતાં તમામ 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતા.

પ્રેરિત દિક્ષીતના માતા-પિતાએ અમને એમ પણ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી તેમના સંબધી દ્વારા આપવામાં આવી હતી. હાલમાં કોશાના ભાઈ ત્યાં છે, પન્નાગેશના પુત્ર મનનભાઇ અને તેમનું પરિવાર પણ જવાનું હતું. પરંતુ તેઓ કોઇક કારણસર ન જતાં તેઓ આ દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા. મનનભાઈએ વિરેન્દ્ર અને પરિંદાબેન દિક્ષીતને કહ્યું હતું કે અમારે અમારા બાળકોને એક વખત જોવાની ઈચ્છા છે, પરતું આ સ્થિતિમાં અમે તેમના પાર્થિવ શરીરને સુરત લાવવા નથી માંગતા. સરકારે પણ કહ્યું છે કે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન નહીં થાય ત્યાં સુધી કોઈ પણ મુસાફરની ડેડબોડી નહીં મળે. પ્લેન ક્રેશ થયું ત્યાં કોઈને જવા દેવાના નથી. ડેડ બોડી મળી શકે તેવી શક્યતા નથી. અમારી પાસે કેનેડાના વિઝા છે, જો કે ત્યાં જઇને પણ શું કરીશું, હવે કેનડાના ઘરમાં અમારા બાળકો જ નથી, તેમની યાદો અમને કોરી ખાશે. તેમ કહી તેમની આંખમાં આશુ આવી ગયા હતા.

વિરેન્દ્ર અને પરિંદાબેન દિક્ષીતે એમ પણ કહ્યું હતું કે 2017માં તેઓ કેનેડા ગયા હતા, ત્યારે બંને બાળકીઓ સાથે સતત રહ્યા હતા, તેમને મનભાવતી ગુજરાતી વાનગીઓ બનાવીને જમાડી હતી, જે દિવસે કેનેડાથી ભારત પરત આવવાના હતાં, તે દિવસે આશ્કા અને અનુશ્કા સ્કુલે જવા નીકળી હતી. બંને એ અમને આવજો પણ કહ્યું હતું. પછી પ્રેરિત સાથે વાત કરતા ખબર પડી કે આશ્કા અને અનુશ્કા સ્કુલમાં ખુબ ઉદાસ હતાં, અને તે બન્ને રડી પણ હતી, સ્કુલમાં ક્લાસ ટીચરે જયારે પૂછું કે શા માટે રડે છે તો બંને કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી ક્લાસ ટીચરે સ્કુલ ડાયરીમાં નોટ લખીને પણ આપી હતી. આમ અનેક એવી નાની નાની વાતો છે જે અમારા માટે હવે બસ યાદ બની રહી ગઈ છે. વીરેન્દ્ર અને પરિંદાબેનનો મોટો પુત્ર ઓસ્ટ્રેલિયા રહે છે, જે કેનડા જવા રવાના થઇ ચુક્યો છે.

સાંસદે શાંત્વના આપી

ઘટના અંગે ઝી 24 કલાક પર આવેલા સમાચાર બાદ સ્થાનિક સાંસદ સી આર પાટીલે અમારા પ્રતિનિધિનો સંપર્ક કરી પ્રેરિતના માતા-પિતા સાથે મોબાઈલ પર વાત કરી હતી. બાદ તેઓ જાતે પણ પ્રેરિતના માતા પિતાને મળવા માટે આવ્યા હતા, વિરેન્દ્ર અને પરિંદાબેનને શાત્વના આપતા તેમને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી હતી.

(4:40 pm IST)