Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર દ્વારા અડધી રાત્રે વડોદરામાં યુવતિને મેસેજ મોકલી હેરાન કરતા ખળભળાટઃ અંતે માફી માંગવી પડી

વડોદરાઃ BJYMના કાર્યકર ઉજ્જવલ ગજ્જર સામે સનસનીખેજ આરોપ થયા છે. સોશિયલ મીડિયા પર મોડી રાત્રે યુવતીઓને મેસેજ કરતો હોવાનો આરોપ છે. યુવા મોરચાનો સેક્રેટરી હોવાનો યુવક ઉલ્લેખ કરે છે. ઉજ્જવલ ગજ્જરના મેસેજ વાયરલ થયા છે. ત્રણથી વધુ યુવતીઓએ આ અંગે પોસ્ટ વાયરલ કરી છે. હાલમાં વડોદરાની યુવતી દ્વારા પોસ્ટ વાયરલ કરાઇ છે. અમદાવાદમાં પણ કાર્યકરની બિભત્સ ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. બાદમાં આરોપીએ યુવતી સમક્ષ માફી માગી લીધી હતી.

મહત્વનું છે કે, સોશિયલ મીડિયા પર અવરનવાર યુવાનો દ્વારા છોકરીઓને મેસેજ કરી હેરાન કરવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદની ખુશ્બુ મજેઠિયા નામની યુવતીએ પ્રશંસનીય કામ કર્યું છે. તેણે યુવતીઓને હેરાન કરતા ઉજ્વલ ગજ્જર નામના યુવાનને વિશ્વ સમક્ષ ઉઘાડો પાડ્યો છે.

ખુશ્બુએ આક્ષેપ કર્યો કે, પોતે જાણતી ન હોવા છતાં આ યુવાન સતત બે વર્ષથી તેમને મોડી રાત્રે હાય, હ્લ્લોના મેસેજ કરતો અને પોતે ભારતીય જનતા યુવા મોર્ચાનો સચિવ હોવાનો દાવો કરતો હતો. જ્યારે કોઈ મહિલા તેને નકારાત્મક જવાબ આપતી તો સોરી કહેતો અને થોડા દિવસ પછી ફરીવાર એજ પ્રવૃતિઓ કરતો હતો. 

આથી યુવતીએ મેસેજના સ્ક્રિનશોટ ફેસબુક પર અપ્લોડ કરતા અન્ય યુવતીઓ જોડે પણ ઉજ્વલ ગજ્જર નામનો યુવાન આવું કરતો હોવાનું સામે આવ્યું છે. ખુશ્બુએ કહ્યું કે, ઘણા યુવાનો છોકરીઓને મોડી રાત્રે આ પ્રકારના મેસેજ કરી હેરાન કરે છે. જેની કોઈ ફરીયાદ કરવામાં આવતી નથી. બીજી યુવતીઓ સામે આવે અને આવી પ્રવૃતિઓ બંધ થાય તેના માટે જ યુવાનના મેસેજ અપ્લોડ કર્યા. હાલ યુવાનને તેમની પાસેથી માફી માંગી લીધી હોવાનું સામે આવ્યું છે.

(8:25 pm IST)